સરકાર દ્વારા ગામોની શાળામાં પણ વિદ્યાર્થીઓ શહેરના બાળકો જેવુ હાઇટેક શિક્ષણ મેળવે તે માટે રાજ્યની મોટાભાગની શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે અહીં કોમ્પ્યુટરો તો ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ પુરતા કોમ્પ્યુટર શિક્ષકો નથી જેના કારણે વિદ્યાર્થીઓને ભણાવે કોણ તે પ્રશ્ન હાલ ઉભો થયો છે. આવી સ્થિતિમાં કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરવા માટે વારંવાર રજુઆત કરવામાં આવે છે તેમ છતા ભરતી કરાતી નથી જેના પગલે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવલાય ધસી આવ્યા હતા જ્યાં પોલીસ સાથે ઉમેદવારોનું ઘર્ષણ પણ થયું હતું. સરકાર દ્વારા ડિજીટલ ઇન્ડિયાની વાતો કરે છે અને શહેર તેમજ ગામની શાળાઓને સ્માર્ટ બનાવવાની સાથે ત્યાં કોમ્પ્યુટર લેબ પણ ઉભી કરવામાં આવી છે.
પરંતુ આ લેબ ચલાવી શકે અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિખવી શકે તેવા શિક્ષકો હાલ પર્યાપ્ત નથી આ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવી છતા તેમની ભરતી કરવામાં આવતી નથી જેના કારણે ઘણા ઉમેદવારોની વયમર્યાદા પુર્ણ થઇ રહી છે આવા કિસ્સામાં લેખિત અને મૌખિક વારંવાર રજુઆતો કરીને થાકેલા કોમ્પ્યુટર શિક્ષકોના ઉમેદવારોએ ગાંધીનગર કૂચ કરી હતી એટલુ જ નહીં, સોથી પણ વધુ ઉમેદવારો આજે જુના સચિવાલય સુધી પહોંચી ગયા હતા અને સરકારમાં ઉગ્ર રજુઆત કરવા જવા દેવા માંગતા હતા.
સરકારે પોલીસને આડે રાખીને આ ઉમેદવારોને સચિવાલયમાં પ્રવેશવા દીધા ન હતા. ઉમેદવારોને સચિવાલય જતા અટકાવવા માટે પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. જોકે ઉમેદવારો પણ રજુઆત કરવા જવા માટે મક્કમ હતા જેના કારણે અહીં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે 40થી વધુ ઉમેદવારોની અટકાયત કરીને આ મામલો હાલ તો થાળે પાડી દીધો છે પરંતુ ટેટ-ટાટ ઉમેદવારોની જેમ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે આ ઉમેદવારોની માંગણી આગામી દિવસોમાં વધુ બુલંદ બનશે અને ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ પણ જ્યાં સરકારી અધિકારી કે મંત્રીઓ હાજર હશે તેમને આવેદનપત્ર આપીને ભરતી માટે રજુઆત કરવામાં આવશે તેમ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.



