Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે. હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે.

જોકે અમુક મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતાં હજારો લોકોનાં મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્લાદેશ અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સવારે અફઘાનિસ્તાનમાં પણ 4.7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા વધુ ડર ફેલાયો છે. ભૂકંપની ભયાનકતાનો અંદાજ મૃત્યુઆંક પરથી જ આવી જાય છે. ભૂકંપગ્રસ્ત દેશોમાંથી જેવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ભયાનક છે. હજારો ઈમારતો, મંદિર-મસ્જિદ, બ્રિજ, મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળમાં અસંખ્ય લોકો દટાઈ ગયા છે. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે  ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજધાની નેપીડૉમાં સેંકડો ઈમારતો તૂટી પડતાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મ્યાનમારના લશ્કરી શાસકોએ રાજધાની નેપીડૉ અને માંડલે સહિત દેશના છ પ્રાંતોમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી. મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ ત્યાં જાનહાની, ઈજા કે મિલકતોને નુકસાન અંગે તાત્કાલિક કોઈ અહેવાલ મળ્યા નથી.

મ્યાનમારના મિલિટ્રી જુન્ટાએ ભૂકંપ અંગે અપડેટ જાહેર કરતાં જણાવ્યું કે શુક્રવારે આવેલો ભૂકંપ એટલો ભયાનક હતો કે તેની અસર પશ્ચિમ ભારતથી માંડીને ચીન સુધી જોવા મળી હતી. તેની લપેટમાં કમ્બોડિયા અને લાઓસ પણ આવી ગયા હતા. આ સાથે મિલિટ્રી જુન્ટાએ મૃત્યુઆંક 1000 થઇ ગયાનો દાવો કર્યો હતો. આ આંકડો ફક્ત મ્યાનમારનો છે. જ્યારે થાઈલેન્ડના બેંગકોકમાં 10 લોકોના મોતનો આંકડો છે પરંતુ એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં તેમાં સેંકડો શ્રમિકો દટાયાની માહિતી છે. જેથી મૃત્યુઆંક અહીં પણ વધી શકે છે. મ્યાનમાર અનેક વર્ષોથી ગૃહયુદ્ધમાં સપડાયેલું હોવાથી અનેક પ્રાંતોમાં મદદ કેવી રીતે પહોંચાડવી તે સ્પષ્ટ થઈ શક્યું નથી. રેડ ક્રોસે કહ્યું કે, ભૂકંપના કારણે વીજળીના થાંભલા પડી જવાથી વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.

વધુમાં અનેક જગ્યાઓ પર રસ્તાઓ તૂટી જવાથી રાહત કાર્ય પડકારજનક બન્યું છે. બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને 90થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહ્યું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે 10000થી એક લાખ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે. માંડલેમાં સ્થિત મસ્જિદ તૂટી પડી હતી. આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢી રહેલાં 20થી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય પણ અન્ય બે મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂનો અવા બ્રિજ તૂટી પડયા હતા.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!