મહિલાઓ પોતાના હુન્નર થકી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને તેના વેચાણ થકી ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કરી રહી છે. કેનવાસ પર અવનવા રંગબેરંગી કલરો દ્વારા આકર્ષક લુક આપીને પેઈન્ટીંગ તૈયાર કરતી પશ્વિમ બંગાળની બહેનોએ પોતાની કલાને નવો આયામ આપ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાતની લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત સરસ મેળામાં પશ્વિમ બંગાળના દિયા મુખર્જી અને તેમના સ્વસહાય જૂથે સુરતના સરસમેળામાં બે લાખના પેઈન્ટીંગ્સનું વેચાણ કર્યું અને એક લાખના ઓર્ડરો મેળવ્યા છે. પશ્વિમ બંગાળના હુબલી જિલ્લાના ચંડીતલા ગામના રહેવાસી દિયા મુખર્જી જણાવે છે કે, અમો બહેનો સાથે મળીને વેસ્ટ ટીસ્યુ પેપરમાંથી ખોળ અને તેમાંથી સ્ટોન બનાવી થ્રી-ડી પેઈન્ટીંગો બનાવીએ છીએ.
સરકારનું પીઠબળ અને પ્લેટફોર્મ મળવાના કારણે અમારી કલાને દેશભરમાં પહોચાડી શક્યા છીએ. સુરતવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવતા તેઓ કહે છે કે, આઠ દિવસમાં બે લાખનું વેચાણ થયું છે, અને એક લાખન વિવિધ પેઈન્ટીંગના ઓર્ડરો મળ્યા છે. દિવસ-રાત મહેનત કરીને ઓર્ડર પૂરા કરી રહી છું. દર વર્ષે અમારા ગ્રુપમાંથી છ થી સાત લાખનું વેચાણ થાય છે. સરકાર તરફથી અમોને વિનામૂલ્યે સ્ટોલ તથા રહેવાની સુવિધા મળે છે, જેના કારણે અમારા પેઈન્ટીંગ દેશભરના લોકો સુધી પહોચી રહ્યા છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. સરકાર દ્વારા મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડતા સરસ મેળા જેવા પ્રદર્શનથી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.
