રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે આકર્ષવા માટે સક્રિય પ્રયાસો આદર્યા છે. સરકારનાં આ પ્રયાસોનું પ્રથમ પગથિયુ એટલે ખેતીવાડી ખાતામાં કામગીરી કરતા પાયાનાં કાર્યકરો. ગુજરાત રાજ્યનાં દરેક જિલ્લાઓમાં તાલુકા સ્તરે તેમજ ગ્રામ્ય સ્તરે રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનું ભગીરથ કાર્ય વિસ્તરણ અધિકારીઓ, આત્માનો સ્ટાફ તેમજ ગ્રામસેવકો કરી રહ્યા છે. આ સ્ટાફને ટેક્નિકલ જ્ઞાન મળી રહે અને આ જ જ્ઞાનના પ્રસાર ગામડાનાં છેવાડાનાં નાગરિકો સુધી થાય એને માટે નવસારી જિલ્લામાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીનાં સેંટ્રલ એક્ઝામિનેશન હોલ ખાતે વિસ્તરણ કાર્યકરોની કાર્યશાળાનું આયોજન ગત તા. ૧૭/૦૩/૨૦૨૫ અને તા. ૧૮/૦૩/૨૦૨૫ નાં રોજ કરવામાં આવેલ હતુ.
જેમાં નવસારી જિલ્લાનાં તમામ છ તાલુકાઓનાં ગ્રામસેવકો, આત્માનો સ્ટાફ તેમજ વિસ્તરણ અધિકારીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી, સુરતશ્રી કે. વી. પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નવસારી જિલ્લાનાં જિલ્લા ખેતી અધિકારીશ્રી ડો. અતુલ ગજેરા, નાયબ ખેતી નિયામકશ્રી એસ.કે. ઢીમ્મર તથા મદદનીશ ખેતી નિયામક્શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળાની શરૂઆતમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી, સુરત દ્વારા વિસ્તરણ કાર્યકરોને પ્રાકૃતિક ખેતીનાં વિવિધ આયામો વિશે જાણકારી આપી હતી તેમજ વિસ્તરણ કાર્યકરોને ખેડુતો દ્વારા પુછાતા પ્રશ્નો વિશે સતત માહિતગાર રહેવા અને ખેડુતોને સાચી અને સ્પષ્ટ માહિતિ પુરી પાડવા પર ભાર મુક્યો હતો. તાલીમ અધિકારી તરીકે નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીનાં વૈજ્ઞાનિક ડો. નિલેશ કવાડ મુખ્ય વિષય નિષ્ણાત તરીકે હાજર રહી વિસ્તરણ કાર્યકરોને પ્રાકૃતિક ખેતીનાં મુખ્ય આયામો જેવા કે, જિવામૃત, બીજામૃત, વાફ્સા, ઘન જિવામૃત તેમજ વિવિધ પ્રકારનાં પર્ણૉનાં અર્ક બનાવવા તેમજ તેમનાં ઉપયોગ વિષયક માહિતી આપી હતી.
કાર્યશાળાનાં બીજા સેશનમાં નવસારી તાલુકાનાં તાલુકા સંયોજક એવા પ્રગતિશીલ ખેડુત નિલ હેમંતભાઇ પટેલ દ્વારા એમનાં પ્રાકૃતિક ખેતીનાં અનુભવોનું વર્ણન કરવામાં આવ્યુ હતું. અને ત્યારબાદ વિસ્તરણ કાર્યકરોને મુંઝવતા પ્રશ્નોનાં જવાબો તથા અભ્પ્રાયોની આપ-લે થઇ હતી. કાર્યશાળાનાં બીજા દિવસે વિસ્તરણ કાર્યકરોની તાલીમ નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીનાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર ખાતે રાખવામાં આવી હતી. જેમાં સમગ્ર દિવસ દરમિયાન પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા તમામ આયામો વિશે ફાર્મ મેનેજરશ્રી, અલ્પેશ લાડ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તેમજ ખેતરામાં ઉભા પાકમાં પ્રાકૃતિક ખેતીનાં ઉપયોગથી પાકનાં ઉત્પાદન તથા પાકની જમીન તેમજ પાકની ગુણવતામાં થયેલ સુધારાનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ.
