અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન 12મી જૂને ક્રેશ થયું હતું. જેના કારણે મોટી જાનહાનિ થઈ હતી. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં મૃતકોના DNA ટેસ્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જેમાંથી 220 મૃતદેહ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી 202 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે વ્યક્તિનું મૃત્યુ થતાં તેમના મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
જે પૈકી કુલ 204 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. 15 મૃતદેહને હવાઈ માર્ગે, જ્યારે 189 મૃતદેહ સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘223 મૃતકોના DNA મેચ થયા છે તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 11 નોન- પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 58, મહેસાણા 6, બોટાદના 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 21, ભરુચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જૂનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલૅન્ડ 1, લંડનમાં 2 અને મોડાસામાં 1 મૃતદેહ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશમાં દીવના 14 લોકોનાં મૃત્યુ થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાંથી 9 લોકો એક જ ગામના રહેવાસી હતા. જે દીવના બુચરવાડાના હતા. બુચરવાડાના પંચાયત સભ્ય દિનેશ ભાનુભાઈએ જણાવ્યું હતું કે, દીવના અનેક ગામના લોકો બ્રિટન અને યુકેની નાગરિકતા ધરાવે છે, જે પોતાની ભારતીય સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા માટે તેમના વતનની મુલાકાતે આવતા-જતા રહે છે.
