મહારાષ્ટ્રનાં ડોમ્બિવલીની રહેવાસી રોશની સોંઘરે બાળપણથી જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેના માટે ખૂબ જ મહેનત કરી હતી. તેણે બાળપણનું સપનું પૂર્ણ તો કર્યું, પરંતુ ઘાતક સાબિત થયું હતું. એર હોસ્ટેસ રોશની સોંઘરે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર રોશની સોંઘરેના મૃત્યુની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડોમ્બિવલીની રોશની સોંઘરેના દુ:ખદ અવસાનથી અમે ખૂબ જ દુઃખી છીએ. એક સમર્પિત ફ્લાઇટ ક્રૂ સભ્ય તરીકે, તેમનું અવસાન એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે. અહેવાલો અનુસાર, રોશની સોંઘરેના પિતા એક ટેકનિશિયન છે.
પરંતુ તેમણે પુત્રીના સપનાઓને પાંખો આપવામાં કોઈ કસર છોડી નહીં. અંતે બે વર્ષ પહેલાં રોશની સોંઘરે એર હોસ્ટેસ બની અને સ્પાઇસજેટમાં બે વર્ષ કામ કર્યા પછી, તેમણે એર ઈન્ડિયામાં જોડાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે દિવસ પહેલા રોશની સોંઘરે માદરે વતન ગઈ હતી. ત્યા તેમણે પરિવાર સાથે ગામના મંદિરમાં કુળદેવતાના દર્શન કર્યા હતા. ત્યારબાદ રોશની સોંઘરે અમદાવાદથી લંડન માટે ફ્લાઇટ પકડી હતી અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. રોશનીના પિતા રાજેન્દ્ર સોંઘરેના જણાવ્યાનુસાર, એર ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવરા એર ઈન્ડિયા તરફથી કોઈને સત્તાવાર ફોન આવ્યો નથી. જોકે એર ઇન્ડિયાના કેટલાક સાથીદારો રોશનીના પરિવાર સાથે અમદાવાદમાં છે. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાનું વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતાં. આ દુર્ઘટનમાં 265 લોકોના મૃત્યુ નીપજ્યાં હોવાના અહેવાલ છે.
