Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારે વરસાદનાં કારણે પાલનપુરનાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલ સોસાયટીનાં ઘરોમાં પાણી ભરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં આજે સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં 4 ઇંચ, વસોમાં 3 ઇંચ, દાહોદમાં 3 ઇંચ અને સંતરામપુરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર અનુસાર મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 25 તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

લાંબા સમય બાદ સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા પંથકમાં મેઘમહેર જોવા મળી છે. વરસાદના લીધે લોકોને અસહ્ય બફારામાંથી છૂટકારો મળ્યો છે. સવારથી ખાબકી રહેલા વરસાદના લીધે પાલનપુરના ડૉક્ટર હાઉસ વિસ્તારના પાછળની ભાગની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર ખૂબ જ નીચાણવાળો છે અને બીજી તરફ ઓવરબ્રિજને કારણે પાણી આ તરફ વળતું હોવાથી પાણીનો ભરાવો થઈ જાય છે. પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર સામાન્ય વરસાદ પડતાં અહીં પાણીનો ભરાવો થાય છે. હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે પાણી ભરાતાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જોવા મળી રહી છે. સાબરકાંઠા પંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે.

હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ બસ હમીરગઢ અંડરબ્રિજમાંથી પસાર થતી વખતે સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદના તેમજ ખેતરોમાં અંડરબ્રિજના પાણી ભરાઈ જાય છે. બીજી તરફ આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં તલોદ, હિંમતનગર અને મેઘરજ તાલુકામાં ત્રણ–ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!