Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વલસાડ જિલ્લામાં ભારે વરસાદનાં કારણે ઘરો અને દુકાનોમાં પાણી ઘુસ્યા, જનજીવનને પર પણ થઈ અસર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન એટલે 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 4.72 ઇંચ, ધરમપુરમાં 3.94 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, ભરુચના હાંસોટમાં 3.58 ઇંચ, નવસારીના ખેરગાવમાં 3.54 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતાં વલસાડ અને વાપીમાં રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા છે. વરસાદનાં આગમન સાથે જ વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાની સ્થિતિ બગડતાં હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.  સુરતથી મુંબઈ તરફ જતાં વાહનોને સર્વિસ રોડના પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાંકી નદીના પુલ પર રિપેરિંગ કામ ચાલી રહ્યું છે.

તો બીજી તરફ વરસાદના આગમનના કારણે પાણીની આવક થતાં ઔરંગ નદી સામાન્ય કરતાં ભયજનક સપાટીએ વહેવા લાગી છે. વલસાડમાં પ્રથમ વરસાદે આફત સર્જી છે. ભારે વરસાદના લીધે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસવા લાગ્યા છે. ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઈ છે. છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. વલસાડના ગુંદલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં 10થી વધુ વાહનો દટાયા છે. વલસાડમાં જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. ઉપરવાસમાં વરસાદ થતાં મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.

તો બીજી તરફ  કોલક નદી બે કાંઠે વહેવા લાગી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદ કે આપાતકાલીન પરિસ્થિતિમાં ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લા હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 19 રસ્તાઓ અવરોધાયા છે. જેમાં વાંસદાનાં 14, નવસારીના 02, ચીખલીના 02, ખેરગામના 1 રસ્તાનો સમાવેશ થાય છે. તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓવરટોપીંગ થયેલા રસ્તાઓને બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રએ અનુરોધ કર્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ રાજ્યના ત્રણ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ અને ભરુચના હાંસોટમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરુચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આ ઋતુનો કુલ સરેરાશ વરસાદ એકંદરે 113.63 મિ.મી એટલે કે 12.87 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ 9.8 ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈ અને સુબીર તાલુકામાં 7 ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં બે ઇંચથી વધુ, 37 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે, 89 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની સપાટી 119.55 મીટર પહોંચી ગઈ છે.

ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરુ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPHના 4 અને CHPHનું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 34 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આગામી તારીખ 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!