તારીખ ૩૦ સપ્ટેમ્બર અથવા નવો આદેશ જારી ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘર આંગણે ખાંડનો પૂરવઠો જાળવી રાખવા ભાવને નીચા રાખવાના હેતુ સાથે આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે. ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન પ્રમાણે, સરકારે ખાંડની નિકાસને મર્યાદિતમાંથી પ્રતિબંધિત યાદીમાં આવરી લીધી છે. આદેશ પ્રમાણે દેશમાંથી કાચી, વ્હાઈટ તથા રિફાઈન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ આદેશ ૩૦ સપ્ટેમ્બર અથવા નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી અમલી રહેશે. ખાંડનું ઉત્પાદન નીચુ રહેવાની શકયતા છે ત્યારે તેના ભાવમાં વધારો ન થાય તેની સરકાર ખાતરી રાખવા માગે છે.

ત્યારબાદ વધુ પાંચ લાખની છૂટ આપવા નિર્ણય લેવાયો હતો પરંતુ મિલો તરફથી મંદ માગને કારણે છેવટે વધારાની પાંચ લાખમાંથી ૮૭૫૮૭ ટન વધુ ખાંડને નિકાસ માટે છૂટ અપાઈ હતી. વર્તમાન મોસમમાં અત્યાર સુધીમાં ૬.૫૦ લાખ ટન ખાંડ નિકાસ થઈ ગયાનું સ્થાનિક સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. આ ઉપરાંત બીજી ૪૦,૦૦૦-૬૦,૦૦૦ ટન ખાંડ નિકાસની પ્રક્રિયામાં હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન મોસમમાં દેશમાં ખાંડ ઉત્પાદન અંદાજ ૨.૮૨ કરોડ ટનનો મુકાયો છે. દરમિયાન ભારત દ્વારા નિકાસ પ્રતિબંધને કારણે વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઊંચે જવાની શકયતા જોવાઈ રહી છે.



