રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની 12 ટીમ વિવિધ જિલ્લામાં જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. મંગળવારે દિવસ દરમિયાન 208 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.50 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સુરેન્દ્રનગરના ઈંચ સહિત કુલ 6.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે કુલ 60 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ પડ્યો તેમાં મુખ્યત્ત્વે બોટાદ, સુરેન્દ્રનગરના મૂળી-થાનગઢ-ચુડા, જામનગરના જોડિયા, ભાવનગરના ઉમરાળા-વલ્લભીપુર, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ-નખત્રાણા-અંજાર, અમદાવાદના ધંધુકા-ધોલેરા, આણંદના બોરસદ-પેટલાદ-ખંભાત, મોરબીના હળવદનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની હવામાનની આગાહી મુજબ, આજે વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય, 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે રેડ એલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદર, ઓરેન્જ એલર્ટ : કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી, યેલો એલર્ટ : મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ.
હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતનાં 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
