હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણાં સમયથી ચાલતી મંદીને પગલે રોજગારી ગુમાવતા વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો. કામરેજના કઠોદરા ગામે આત્મીય બંગ્લોઝમાં રહેતા ૩૬ વર્ષના પ્રકાશભાઈ ભીખાભાઈ વાઘાણી (મૂળ ખીજડીયા ગામ, જિ.ભાવનગર)ના વતની અને રત્નકલાકાર હતા. તેઓ હીરાના વ્યવસાયમાં મંદીના કારણે કામ ન મળતાં આર્થિક સંકડામણ અનુભવતા હતા. તેમણે હતાશામાં ઘરમાં અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ પરિવારજનોને થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મોત થયું હતું. કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
