નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં થોડા દિવસના વિરામ બાદ રાત્રી દરમિયાન સવા ઈંચ જેટલો વરસાદ વરસતા ઉનાળુ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું હતું. જોકે સવારે વાતાવરણ ખુલી ગયા બાદ ફરી દિવસ ભર અસહ્ય બફારો અનુભવાયો હતો.
રાત્રિના બાર વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધીના આઠ કલાકમાં ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ચીખલી તાલુકામાં કેરીની સીઝન અંતિમ પડાવમાં છે. પરંતુ ઉનાળુ ડાંગરનો પાક કુશ તૈયાર હોવા છતાં વાદળ છાયા વાતાવરણ અને હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતો ડાંગરની કાપણી કરવામાં અવઢવ ભરી સ્થિતિમાં મુકાયા હતા. તેવામાં ગત રાત્રીના વરસાદમાં ડાંગરનો ઉભો પાક ખેતરમાં લપેટાઈ ગયો છે અને જ્યાં કાપણી થઈ ગઈ છે. ત્યાં ડાંગર નો પાકપલળી જતા ખેડૂતોને કેરી બાદ ડાંગરના પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે.
