ભાવનગરનાં કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ VIP રોડ પર ડમ્પર અડફેટે સાઇકલ સવાર પરપ્રાંતિય શ્રમજીવી યુવકનું મોત નિપજ્યું હતું. 
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢિયા રોડ, બજરંગનગર ખાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતિય રોજઅલી ઉર્ફે મુલ્લા મુનન મન્સૂરી અને તેના નાના ભાઈ કુન્નુ ઉર્ફે નઝીર મહમદ મન્સૂરી અલગ અલગ સાઇકલ પર મજૂરી કામ માટે મોતીતળાવ જતા હતા ત્યારે વીઆઇપી રોડ પર પાછળથી આવી રહેલ ડમ્પરનાં ચાલકે સાઇકલ સવાર કુન્નુ ઉર્ફે નઝીરને અડફેટે લઈને પછાડી દેતા તે ડમ્પરના આગળના વ્હીલમાં આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના મોટા ભાઈ રોજઅલી મન્સૂરીએ ડમ્પરના ચાલક વિરૂદ્ધ બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



