નવી મુંબઈ મહાનગરપાલિકા હદમાં વર્ષ ૨૦૨૪-૨૫માં કરાયેલાં સર્વેક્ષણ દરમિયાન ૫૨૭ જેટલી ઇમારતોને અતિ જોખમી જાહેર કરવામાં આવી છે. નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૩૦વર્ષથી વધુ સમયથી જૂની ઇમારતો માટે માન્ય સિવિલ અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવું ફરજિયાત કરાયુ છે. રહેવાસીઓને તાત્કાલિક આવી ઇમારતો ખાલી કરવાની સલાહ આપવામાં આવી હતી.
નવી મુંબઈ મહાનગરપાલિકાએ રહેવાસીઓ, માલિકો અને ગૃહ નિર્માણ સોસાયટીઓને આવી ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા અને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત પાલિકાના સહાયક કમિશનર અથવા શહેરી આયોજન સહાયક નિયામકને રિપોર્ટ સુપરત કરવાની અપીલ કરી છે. ઇમારત કેટલી જુની છે તે પ્રારંભિક કબજાની તારીખથી નક્કી કરવામાં આવશે, પછી ભલે તે આંશિક કે પૂર્ણ હોય. સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યા પછી, એન્જિનિયર દ્વારા ભલામણ કરાયેલ તમામ જરૂરી સમારકામ પૂર્ણ થઈ ગયા પછી માળખું સલામત છે. તેની પુષ્ટિ કરતું સટફિકેટ પાલીકાને સુપરત કરવું ફરજિયાત રહેશે એમ અધિકારીએ જણાવ્યું હતું. માળખાકીય સર્વેક્ષણ કરવામાં નિષ્ફળ રહેનારાઓ પાસેથી રૂ.૨૫,૦૦૦/-નો દંડ અથવા સંપૂર્ણ વાષક પ્રોપર્ટી ટેક્સ, જે પણ વધારે હોય તે વસૂલવામાં આવી શકે છે.
