દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL)ના બેન્ક છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસે 5 સપ્ટેમ્બર 2025ના રોજ 185.84 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી છે. આમાં મુંબઈમાં 154 ફ્લેટ અને 20 ફ્લેટ સંબંધિત રકમનો સમાવેશ થાય છે. આ કેસ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સાથે સંબંધિત છે. બંને ભાઈઓ પર DHFL કંપનીના નામે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના 17 બેન્કના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ છે.
EDએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા શરૂ કરાયેલી તપાસ DHFL, કપિલ વાધવાન, ધીરજ વાધવાન અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ જોગવાઈઓ હેઠળ બેન્ક છેતરપિંડી અને બેન્કોના એક જૂથ સાથે છેતરપિંડી કરવાના આરોપસર શરૂ કરી છે. EDની તપાસમાં જાણવા મળ્યું કે વાધવાન બ્રધર્સ અને DHFL કંપનીએ બેન્કોમાંથી લીધેલા હજારો કરોડના લોનમાં છેતરપિંડી કરી હતી. કંપનીના ખાતામાં છેતરપિંડી કરીને લોનની રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે વર્ષ 2017-18માં કપિલ અને ધીરજ વાધવાને પ્રોક્સી કંપનીઓ અને ICD દ્વારા DHFLના ભંડોળનું શેરબજારમાં રોકાણ કર્યું હતું. તેમણે બ્રોકરોની મદદથી પૂર્વનિર્ધારિત સોદા કરીને DHFLના શેરની કિંમત અને વોલ્યુમ કૃત્રિમ રીતે વધારવાનું કાવતરું ઘડ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 256.23 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ પણ, EDએ આ કેસમાં 70.39 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી. એટલું જ નહીં, 3 એપ્રિલ, 2025ના રોજ, EDએ આ કેસમાં મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના પર કોર્ટે 2 મે, 2025ના રોજ નોંધ લીધી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં ED ની કુલ જપ્તીની રકમ વધીને 256.23 કરોડ રૂપિયા થઈ ગઈ છે.



