બારડોલીનાં મહાવીરનગર સોસાયટીમાં રહેતો એક ઈસમ પોતાના ઘરમાં જુગારધામ ચાલવે છે અને તે બહારથી લોકોને પોતાના મકાનમાં બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા બારડોલી પોલીસની ટીમે મકાનમાં રેડ કરી આઠ જુગારીઓને રૂ.૮.૧૧ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, બારડોલીના મહાવીરનગર ઘર નં.૨૫માં રહેતો જ્ઞાનેશ્વર અરુણ મહાજન પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી પાનાપત્તાનો જુગાર રમાડી રહ્યો છે.
જેથી ત્યાં પોલીસે રેડ કરતા જ્ઞાનેશ્વર અરુણભાઈ મહાજન ઉપરાંત મુકેશકુમાર કાંતિલાલ સિંન્હા (રહે.મારુતિ કોમ્પ્લેક્સ થર નં.૧૦૩, શાસ્ત્રી રોડ, બારડોલી), સાજસઠ મુસા દુધાટ (રહે.કડોદ ગામ, સેલોટ ફળિયું, ઘર નં.૩૪૨, બારડોલી), અક્રમભાઈ ફારુક પટેલ (રહે.કડોદ ગામ, સરકારી દવાખાના સામે, બારડોલી), અનિલભાઈ રતનભાઈ સોનવણે (રહે.બાબેન ગામ, નહેરુ નગર, બારડોલી), હરીશભાઈ છનાભાઈ ગામીત (રહે.સુથાર ફળિયા, બારડોલી), શ્યામ બાબુભાઈ કામલે (રહે.બાબેન ગામ, બારડોલી) અને સુભાષભાઈ સુરેશભાઈ ગુપ્તા (રહે.આનંદપાર્ક ચાણકયપુરી, તેન ગામ, બારડોલી)નાંઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમ, બારડોલી પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂ.૯૪,૦૦૦, જૂગારના દાવ ઉપર લગાડેલા રોકડા રૂ.૩૫,૫૦૦ તથા ૮ નંગ મોબાઈલ, વાહન નંગ ૫, કિં. રૂ.૫.૩૦ લાખ મળી કૂલ રૂપિયા ૮,૧૧,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
