મહારાષ્ટ્રનાં પૂણેમાં મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં જેજૂરી મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી સિડાન કાર અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા અને પાંચ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત જેજુરી-મોરગાંવ રોડ પર થયો હતો. પૂણેથી મોરગાંવ જઈ રહેલી કાર જેજુરીથી મોરગાંવ જઈ રહી હતી.
આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા સામે એક પિકઅપ વાન સાથે ટક્કર મારી. કારમાં સવાર ચાર પુરૂષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઊભેલા બે અન્ય લોકોના મોત નિપજ્યા હતા. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રીરામ હોટેલની બહાર જ્યારે પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પાછળથી કારે જોરદાર ટક્કર મારી. અકસ્માત થતા જ ઘટના સ્થળે ભીડ ભેગી થવા લાગી. પોલીસે પહોંચીને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા. બાદમાં ક્રેન બોલાવીને, કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા.
