ઈન્ડિગોની દિલ્હીથી લેહ જતી 6E 2006 ફ્લાઈટનું આજે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણોમાં તેમાં ટેક્નિકલ ખામી આવી હતી. જેના લીધે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જોકે ફ્લાઈટ સુરક્ષિતપણે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. વિમાનમાં 182 પેસેન્જર સવાર હતા. તમામ મુસાફરો સુરક્ષિત છેઈન્ડિગોએ ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એરક્રાફ્ટ ફરી સંચાલનમાં આવે તે પહેલાં જરૂરી સમારકામ થઈ રહ્યું છે.
મુસાફરોને લેહ પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને થયેલ અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશની ભયાવહ દુર્ઘટના બાદ રોજબરોજ ફ્લાઇટમાં ખામીના સમાચાર મળી રહ્યા છે. 17 જૂનના રોજ એર ઇન્ડિયાની કુલ સાત ફ્લાઇટ ટેક્નિકલ તથા અન્ય કારણોસર ઉડાન ભરી શકી ન હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી પેરિસ, લંડનથી અમૃતસર, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ અને અમદાવાદથી લંડન આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા, બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઇટ પણ રદ થઈ હતી. મોટાભાગની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રદ થયેલી ફ્લાઇટ્સમાં છ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી. આ મોડલ જ અમદાવાદમાં ક્રેશ થયું હતું.
