બાંગ્લાદેશમાં અનામત વિરોધી ફાટી નીકળેલ વ્યાપક રમખાણોને લીધે રવિવાર સાંજ સુધીમાં 4500 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફર્યા છે. તેમ વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે જણાવ્યું હતું. આ સર્વે વિદ્યાર્થીઓ સબ-સલામત પણ છે તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.
આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સ્થિત આપણા દૂતાવાસને પણ સૂચના અપાઈ ગઈ છે કે, આપણા વિદ્યાર્થીઓ સહી સલામત રીતે ભારત પરત આવી શકે તે માટે પૂરો બંદોબોસ્ત ગોઠવવો હતો. વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે, બાંગ્લાદેશમાંથી ભારતમાં આવજા કરવા માટેના નિશ્ચિત બોર્ડર ક્રોસિંગ પોઇન્ટ ઉપરથી આ વિદ્યાર્થીઓ ભારત પરત આવી રહ્યા છે. આ ઉપરાંત નેપાળના 500 વિદ્યાર્થીઓ, ભૂતાનના 38 અને માલદીવનો પણ 1 વિદ્યાર્થી ભારતમાં પ્રવેશ્યા છે. યાદી વધુમાં જણાવે છે કે, ઢાકા સ્થિત આપણા દૂતાવાસે બંને દેશો વચ્ચે નાગરિક વિમાનોની આવન-જાવન નિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા હાથ ધરી છે.




