મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડળ ટોલનાકા પાસેના નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર જાહેરમાં શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી કડોદરા ખાતે લઈ જતો નવાપુરનો એક યુવક ઝડપાયો હતો અને દારૂનો જથ્થો ભરી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ટેમ્પોમાં એક ઈસમ મહારાષ્ટ્રના નવાપુરથી શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ થનાર છે. જે બાતમીના આધારે સોનગઢનાં નેશનલ હાઈવે-53 પર માંડલ ટોલનાકા ખાતે સોનગઢથી વ્યારા તરફ જતાં ટ્રેક પર અલગ-અલગ છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી પીકઅપ પીકઅપ ટેમ્પો નંબર GJ/05/BV/0547ને આવતાં જોઈ કોર્ડન કરી ટેમ્પોને સાઈડમાં ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જાકિર રમઝાન શેખ (ઉ.વ.30., રહે.દેવળ ફળિયું, નવાપુર)નાં જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં પાછળનાં ભાગે જોતા પ્લાસ્ટીકની થેલીઓમાં શાકભાજી ફુલાવર ભરેલ હોય જે શાકભાજી થેલીઓની નીચેના ભાગે જોતા ખાખી કલરના પુંઠાના બોક્ષમાં અલગ અગલ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 2,148 બોટલો મળી આવી હતી.
જોકે ઝડપાયેલ ઈસમને વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો નવાપુર ખાતેના અમિત અગ્રવાલ નાંએ શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી આપેલ હતો અને આ દારૂનાં જથ્થા સાથે કડોદરા દસ્તાન ફાટકથી આગળ સર્વોતમ હોટલ પાસે પહોંચી ઉભા રહેવાનું હતું. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની 2,148 બોટલો જેની કિંમત રૂપિયા 2,67,600/-, 1 નંગ મોબાઈલ, ફલાવર અને ટામેટાનાં શાકભાજીની પ્લાસ્ટિકની થેલી નંગ-30 જેની કિંમત રૂપિયા 6,000/- અને ટેમ્પો જેની કિંમત રૂપિયા 5,00,000/- મળી કુલ રૂપિયા 7,78,600/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અનિરુદ્ધસિંહ સોલંકીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ નવાપુરનાં જાકિર શેખ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




