કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મેઘપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો ધ્વારા વાજતે ગાજતે સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે તાપી જિલ્લા કલેકટર શ્રી ડૉ. વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હેતુ એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારીની વિવિધ યોજનાના લાભો ગામના દરેક લાભ લેવા પાત્ર વ્યક્તિને મળે.વધુમાં તેમણે કેન્દ્ર અને રાજય સરકારની 17 જેટલી યોજનાઓ જેમાં અન્ન પુર્ણા યોજના, આયુષ્માન ભારત યોજના, કિશાન સન્માન નિધી, ઉજ્જ્વલા યોજના જેવી પ્રજાકલ્યાણની યોજનાઓ અંગે માહિતી આપી હતી. તમામ ગ્રામજનોને વિવિધ યોજાનાઓ લાભો લેવા,તથા હેલ્થ વિભાગ ધ્વારા કરવામાં આવતા સિકલ સેલ સ્કેનિંગ ટીબીનુ સ્કેનિંગ કરાવી લેવા અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમને આવનારી લોકસભા ચૂંટણી પહેલા જેમના ૧૮ વર્ષ પૂર્ણ થયાં હોય તેઓને નામ નોંધણી કરાવવા અથવા જેમના સુધારા વધારા કરાવવાના હોય એવા તમામ લોકોને આજે મતદારયાદી સુધારાણા ઝુંબેશનો છેલ્લો દિવસ છે ત્યારે તમામને મતદાર યાદીમાં નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાથમિક શાળા મેઘપુરની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત તથા મનમોહક સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.તથા મિશન મંગલામની બહેનો ધ્વારા ‘ઘરતી કહે પુકાર કે’ અંતર્ગત નાટક રજુ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી નેહા વસાણી,વ્યારા મામલતદારશ્રી એચ. જે. સોલાંકી, સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



