ડોલવણ ગામના ચાર રસ્તા પાસે જીઇબી ઓફિસની બાજુમાં આવેલ આકાશ કોમ્પ્લેક્ષમાં પિયુષભાઈ પટેલ ગુરુકૃપા નામની મોબાઈલ શોપ ધરાવે છે. તેઓ પોતાની દુકાન રાબેતા મુજબ તાળું મારી બંધ કરીને ઘરે પરત ફર્યા હતા. તારીખ ૦૮/૦૮/૨૦૨૫ મંગળવાર નારોજ વહેલી સવારે બાજુની દુકાનમાં અન્ય દુકાનદારે પિયુષભાઈ પટેલને ફોન કરીને તેમની દુકાનનું શટલ-તાળુ તૂટેલું હોવાની જાણ કરતા તેઓ તત્કાલ દુકાન ખાતે દોડી આવ્યા હતા.
દુકાનમાં તપાસ કરતા તસ્કરોને કઈ હાથે લાગ્યું નહતું. મોબાઈલની દુકાનમાં શટલ બાદ અંદરથી લોખંડની જાળી લગાવેલી હોવાથી તસ્કરો દુકાનમાં ઘુસી શક્યા નહતા. જેને કારણે તસ્કરોનો ફોગટનો ફેરો રહ્યો હતો.આ દરમિયાન મોબાઈલ શોપની બાજુમાં પ્રવીણભાઈ ચૌધરી કરિયાણાની દુકાન ધરાવે છે તેઓએ સુરક્ષા માટે ફીટીંગ કરાવેલ સીસીટીવીના કેબલ તસ્કરો કાપી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવ અંગે પિયુષભાઈએ ડોલવણ પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ દુકાનમાં તપાસ કરતા તસ્કરોને કઈ હાથે લાગ્યું નહતું. ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરો CCTV કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા છે. જેથી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
