નડિયાદ શહેરમાં ગીરવે મૂકેલી મિલકતના ખોટા દસ્તાવેજો બનાવી ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી રૂા. ૫.૩૧ કરોડની બે લોન લીધી હતી. બાદમાં રૂ.૪૯.૧૭ લાખ નહીં ભરી છેતરપિંડી આચરી હતી. આ અંગે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ, અરજદાર, ગીરવે મુકેલ મિલકતના ભાગીદારો સહિત ૭ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. નડિયાદ શહેરમાં એસઆરપી કેમ્પ સામે વિજયલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને બજાજ ફાઈનાન્સના આરસીયુ મેનેજર નિમેષ ચૌહાણે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૨માં નડિયાદના નવા રાવપુરાના તરુણકુમાર નિરૂભાઇ બારોટ લોન માટે બજાજ ફાયનાન્સ કંપનીના એજન્ટ સંજીવ.ડી. બ્રહ્મણેને મળ્યા હતા.
લોન લેવા વ્યવસાયના પુરાવા તરીકે આત્મીય પેટ્રોલપંપ નડિયાદના કાગળો રજુ કરેલા હતા. જેમા ભાગીદાર તરીકે હર્ષલ ટીકેન્દ્ર બારોટ રહે. નડિયાદ તેમજ સહ ભાગીદાર રૂચિત કૃષ્ણકાંત દેસાઈ રહે. નડિયાદના નામ દર્શાવેલા હતા.
તમામ દસ્તાવેજના આધારે ફાઈનાન્સ કંપનીએ રૂપિયા ૧૯,૩૯,૭૪૧ની લોન ૨૮,૯૬૨ના માસિક હપ્તે મંજુર કરી હતી. જેમાંથી ૧૮ હપ્તા ભર્યા બાદ ૧૭,૮૨,૭૦૭ની લોન બાકી પડતી હતી. ઉપરાંત બીજી લોન માટે નડિયાદના જશોદા એપાર્ટમેન્ટના પાંચમા માળના ફ્લેટના કાગળો રજુ કરી ઔપ્ચારિક અરજી કરી હતી. જેના આધારે ૩૩,૭૪,૦૯૪ લોન ૫૦,૩૭૯ના માસિક હપ્તે લીધી હતી. લોનના ૧૬ હપ્તા ભર્યા બાદ ૩૧,૩૩,૯૫૭ રૂપિયા બાકી નીકળે છે. બંને લોનના મળીને ૪૯,૧૬,૬૬૪ બાકી પડે છે. આ અંગે તપાસ કરતા લોન લેવા માટે રજૂ કરેલા દસ્તાવેજો બોગસ રજૂ કર્યા હોવાનું ખુલ્યું હતું. ફાઈનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓની ગંભીર બેદરકારી કે મેળા પીપણાની શક્યતાના પગલે લોન લેનાર અરજદાર અને ગીરે મુકેલ મિલકતના ભાગીદારો, બજાજ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ સહિત ૭ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
