ડાંગ જિલ્લાનાં વઘઈનાં ભેંસકાતરી ગામે ભત્રીજીને કાકા સાથે ઘરે ન લઈ જવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ગોદડિયા ગામના કાકા તેમની ભત્રીજીને લેવા માટે તેણીની સાસરીમાં ભેંસકાતરી ગામ ખાતે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેણીના સાસરી પક્ષે ભત્રીજીને મોકલવા ના પાડી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા મારામારી થઈ હતી તેમજ એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. 
મળતી માહિતી મુજબ, વઘઈ તાલુકાનાં ગાડ્ડિયા ગામ ખાતે રહેતા રામદાસભાઈ કાસ્યાભાઈ પવાર (ઉ.વ.૫૦) ના દીકરા પર તેમની ભત્રીજી આરસુબેનનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તેણીના પતિની તેશ લગાભાઈ પવારે બીજી પત્ની રાખેલી છે જેથી તમે લેવા આવો એવો ફોન આવતા કાકા રામદાસભાઈ તથા તેના પરિવારના સભ્ય આરસુબેન ને તેમના ઘરે લઈ જવા માટે ભેંસકાતરી ગામ ખાતે તેણીના સાસરીમાં ગયા હતા. ત્યારે ત્યાં ઘેડુભાઈ જીવાભાઈ પવાર, જીતેશભાઈ લગાભાઈ પવાર, નિતેશભાઈ લગાભાઈ પવાર, હિતેશભાઈ લગાભાઈ પવાર, ઘેડુભાઈ જીવાભાઈ પવારની દીકરી તથા ઘેડુભાઈની પત્નીએ ભત્રીજી આરસુબેનને કાકા સાથે થરે લઈ જવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ આ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાંસના દંડા વડે માર મારવામાં આવ્યો હતો. તેમજ બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલો વઘઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં રામદાસ ભાઈ પવારએ ઘેડુભાઈ જીવાભાઈ પવાર, જીતેશભાઈ લગાભાઈ પવાર, નિતેશભાઈ લગાભાઈ પવાર, હિતેશભાઈ લગાભાઈ પવાર, ઘેડુભાઈ જીવાભાઈ પવાર નીદીકરી તથા ઘેડુભાઈની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ઘેડુભાઈ જીવાભાઈ પવાર એ રામદાસભાઈ કાસ્યાભાઈ પવાર વિકીભાઈ રામદાસભાઈ પવાર , પ્રવિણભાઈ રામદાસભાઈ પવાર કાંતુભાઈ સીતારામભાઈ પવાર તારાબેન સીતારામભાઈ પવાર રાધાબેન કાસ્યાભાઈ પવાર (તમામ રહે.ગોદડીયા ગામ તા.વથઈ જિ.ડાંગ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




