Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખેડૂત ઈલાબેન અનેક શિક્ષિત યુવાઓને પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહ્યા છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વર્ષ ૧૯૯૬માં એમ.એ.ની ડિગ્રી મેળવનાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટી કચવાલ ગામમાં રહેતા ૫૫ વર્ષીય ઈલાબેન રમણભાઈ પટેલ તે સમયે નોકરી કરી શક્યા હોત પરંતુ તેમણે ખેતી કામ પસંદ કરી તેને જ પોતાનું ભવિષ્ય બનાવ્યું હતું. આજે તેઓ પ્રાકૃતિક ખેતી કરી વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહ્યા છે. જેમાંથી તેઓ પોતાની દીકરીને ડોકટર અને દીકરાને શિક્ષક બનાવવાનું સપનુ સાકાર કરવા જઈ રહ્યા છે. અઢી દાયકા પહેલા પોસ્ટ ગ્રેજયુએટ થયેલા ઈલાબેન આજે અનેક શિક્ષિત યુવાઓને ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહ્યા છે.

૩ એકર જમીન પર સમૃધ્ધ પ્રાકૃતિક ખેતી કરતા પારડીના મોટી કચવાલ ગામે મંદિર ફળિયામાં રહેતા ઈલાબેન પટેલ પોતાની સફળતાની ગાથા વર્ણવતા જણાવે છે કે, પહેલા અમે પણ બાપ દાદાના સમયની પરંપરાગત રાસાયણિક ખાતર વડે ખેતી કરતા હતા. પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી પકવેલા ફળ, શાકભાજી અને અનાજ પોતાના અને જમીનના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થયા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં ધરમપુરના બરૂમાળ ખાતે સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમની જાણ થતા સાત દિવસ સુધી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી પરોપકાર અને પુણ્ય આપનારી તેમજ ઝીરો બજેટના ખર્ચે થતી હોવાનું અને તેના દ્વારા આપણુ અને જમીનનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે એવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ લાગલગાટ વઘઈ, જૂનાગઢ, રાજકોટ અને ભૂજ સહિત વિવિધ જિલ્લાઓમાં ૧૦ જેટલી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી.

આજે હું મારા ખેતરમાં રીંગણ, કેળા, ફલાવર, કોબી, ચોળી, તુવેર, ભીંડા, ડાંગર અને હળદરનું વાવેતર કરી આર્થિક રીતે પગભર બની છું. શરૂઆતમાં ઉત્પાદન ઓછુ મળતુ હતું પરંતુ ધીરે ધીરે ઉત્પાદન વધતા હવે વર્ષે પોણા બે લાખની આવક મેળવી રહી છું. સાથે ઘરે બે દેશી ગીર ગાય પણ છે. જેના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા દર મહિને મારા બેંક ખાતામાં રૂ. ૯૦૦ની સહાય આપવામાં આવે છે. દૂધ સારૂ આવે તે માટે ગાયના ઘાસચારાનો પાક પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે મળેલા પ્રોત્સાહન અંગે ઈલાબેન સહર્ષ જણાવે છે કે, સમૃધ્ધ પ્રાકૃતિક ખેતી માટે બે વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા પારડી તાલુકાના ‘‘બેસ્ટ ફાર્મર એવોર્ડ’’ પણ એનાયત થયો હતો. આ સિવાય આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડલ ફાર્મ માટે રૂ. ૧૮,૫૦૦ની સહાય પણ આપવામાં આવી હતી જેના દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનું બળ મળ્યુ હતું.

પ્રાકૃતિક ખેતીથી પકવેલા ફળ-શાકભાજી અને અનાજ આરોગવાથી સૌનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે અને આવક પણ વધી રહી છે એમ જણાવી ઈલાબેન રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે, સખી મંડળની બહેનો આર્થિક રીતે સશક્ત બને તે માટે જીવામૃત યુનિટ સહિતની અનેકવિધ યોજનાનો લાભ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માર્ગદર્શન આપનાર રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. બોક્ષ મેટર સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને તે માટે જીવામૃત યુનિટ બનાવવા રૂ. ૬૦ હજારની સહાય મળી પ્રગતિશીલ ખેડૂત ઈલાબેન પટેલે જણાવ્યું કે, અમારા ગામના વૈભવ લક્ષ્મી સ્વસહાય જૂથ સખી મંડળની ૧૧ બહેનો આત્મનિર્ભર બને તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જીવામૃત અને જંતુનાશક દવા તરીકે દશપર્ણી અર્ક બનાવવા માટે રૂ. ૬૦ હજારની સહાય આપવામાં આવી છે.

જેમાંથી ૧૦૦૦ લીટરની પાંચ ટાંકી બનાવવામાં આવી છે. જે માટે સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. ખેડૂતો નહિવત ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી નફો મેળવી શકે તે માટે સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલુ જીવામૃતનું ઘર બેઠા ૬ રૂપિયા લીટરે વેચાણ કરીશું. જેથી બહેનોને પણ આવક મળશે, ખેડૂતોને પણ ફાયદો થશે અને સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ પણ વધશે. બોક્ષ મેટર યુ-ટ્યુબ પર ટેકનોલોજી આધારિત પપૈયાની ખેતીના વીડિયો જોઈ પપૈયાની પ્રાકૃતિક ખેતી કરીશું પ્રગતિશીલ મહિલા ખેડૂત ઈલાબેન પટેલ ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે જણાવે છે કે, અત્યારે ખેતરમાં રીંગણ અને ભીંડાનો પાક કર્યો છે. વૈજ્ઞાનિક રીતે જમીનમાં પાકની ફેરબદલી આવશ્યક છે. જેથી જમીન ફળદ્રુપ રહે છે. જે માટે મારા દીકરા હિત સાથે અમે સ્માર્ટ ફોનમાં યુ-ટ્યુબ પર પપૈયાની ખેતી વિશે અનેક વીડિયોનો અભ્યાસ કર્યો છે. જેથી એક એકર જમીનમાં પ્રથમવાર પ્રાયોગિક ધોરણે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિથી પપૈયાની પ્રાકૃતિક ખેતી કરવાનું આયોજન છે.

પપૈયાની ખેતી કરવાથી આવકમાં વધારો થશે એવુ માનવુ છે. બોક્ષ મેટર બંને બાળકોની ઉજ્જવળ કારર્કિદી ઘડતર માટે પ્રાકૃતિક ખેતીએ મહત્વની ભૂમિકા ભજવી ખેડૂત ઈલાબેન પોતે તો ખેતી કરી જ રહ્યા છે પરંતુ તેમના પતિ રમણભાઈ પણ તેમને મદદરૂપ થઈ રહ્યા છે. સાથે તેમનો દીકરો હેત પણ ખેતી અંગેની લેટેસ્ટ ટેકનોલોજી અને વિવિધ પાક વિશે સ્માર્ટ ફોન દ્વારા માહિતી મેળવી સહાયભૂત થઈ રહ્યો છે. ઈલાબેન ખુશી વ્યક્ત કરતા કહે છે કે, મારી દીકરી ભૂમિને ડોકટર બનાવવાનું સપનુ છે. જે પુરૂ થવાને આરે છે. હાલમાં મારી દીકરી વલસાડ મેડિકલ કોલેજમાં એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે પુત્ર હેતને શિક્ષક બનવુ છે જેથી તે વાપી પૂરૂષ અધ્યાપન કોલેજમાં ડિપ્લોમા ઈન એલીમેન્ટરી એજ્યુકેશનનો અભ્યાસ કરી રહ્યો છે. મારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પ્રાકૃતિક ખેતીએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!