ભારત સરકાર દ્વારા ડીજીટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રકચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત જેમના પણ નામ ૭/૧૨, ૮ અ માં હોય એ તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રી દ્વારા પી.એમ.કિસાન યોજનાના આગામી ૨૦ મા હપ્તાનો લાભ મેળવવા તમામ ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦ મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોય જે ખેડૂતોની ખેડૂત નોંધણી બાકી છે તેઓએ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. ખેડૂત નોંધણી માટે બાકી રહેલ ખેડૂતો જલદી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. આથી તમામ બાકી ખેડૂતોને જે તે ગામના વી.સી.ઈ./સી.એસ.સી. સેન્ટર/ગ્રામસેવક/તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી તાત્કાલિક ખેડૂત નોંધણી કરાવી ખાસ અનુરોધ કરવામાં આવે છે.
ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અથવા નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતોએ (૧) આધાર કાર્ડ (૨) જમીનના ઉતારાની નકલ-૮અ/૭-૧૨ તેમજ (૩) આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે. દસ્તાવેજોની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી. ફકત ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી વિગતો ઓપરેટરને જણાવવાની રહે છે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
