રાજય સરકાર મીશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડયું છે. રાજ્યના અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા સાથેની ખેત પદ્ધતિને છોડીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડુતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આમનડેરા ગામના પ્રગતિશીલ ખેડુત રાજેન્દ્રભાઈ પ્રજાપતિએ ત્રણ વર્ષથી રાસાયણિક ખેતીને તીલાંજલી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ૫૩ વર્ષીય રાજેન્દ્રભાઈએ સાતેક મહિના પહેલા ત્રણ વિધામાં કેળનું વાવેતર કર્યું હતું. જયારે સાત એકરમાં શેરડીનું વાવેતર કર્યું છે.
જેમાં વર્મીકમ્પોટ, વેસ્ટ ડી-કમ્પોઝર, વર્મી વોશ જેવા દેશી ખાતરોનું ઉપયોગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, રોગ જીવાતને અટકાવવા માટે લિંબોળીના તેલ ઉપયોગ કરૂ છું. ત્રણ વિધામાં ૨૬૦૦ ટીસ્યુ કલ્ચરના છોડ લાવીને વાવેતર કર્યું હતું. જેમાં હાલમાં લુમ દીઠ ૪૫ કિલોનું વજન મળી રહ્યું છે જે સારામાં સારૂ હોવાનું તેઓ કહે છે. કેળના શરૂઆતના વાવેતરમાં આંતર પાક તરીકે ગલગોટાના ફુલનું વાવેતર કરીને એક લાખના ફુલોનું ઉત્પાદન મેળવ્યું હોવાનું તેઓ જણાવે છે. આ કેળના પાકમાં ૬૫૦૦૦ કિલોનું ઉત્પાદન મળવાની સંભાવના તેઓએ વ્યકત કરી હતી.
તાજેતરમાં રાજેન્દ્રભાઈ ગીર ગાયની વાછરડી ખરીદી કરીને લાવ્યા છે. જેમાંથી આગામી સમયમાં સંપુર્ણ ગાય આધારિત ખેતી તરફ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ લેતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓ અન્ય ખેડુતોને સંદેશ આપતા કહે છે કે, આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે કેન્સરના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવા સૌ ખેડુતોને અનુરોધ કર્યો હતો.




