ઓનલાઇન ગેમ્બલિંગમાં દર વર્ષે 45 કરોડ લોકો રૂપિયા વીસ હજાર કરોડથી વધુ રકમ ગુમાવે છે. આ એક ખતરનાક ન્યૂસન્સ છે ઓનલાઇન ગેમ્બલિંગ એ એવી ટ્રેપ છે જેમાં માણસ એક વખત ફસાયો પછી બહાર નીકળી શકતો નથી. આવા જુગારથી માણસની આર્થિક સ્થિતિ તો બગડે જ છે, માનસિક સ્વાસ્થ્ય સામે પણ મોટું જોખમ પેદા થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજના જમાનામાં કોઇ માણસ આવા જુગારમાં જીતે એ વાતમાં દમ નથી. પ્રતિબંધ એ દેશહિતની જ ઘટના છે.
મહાભારત જુગારના ખરાબ પરિણામોનું સૌથી મોટું ઉદાહરણ છે. જુગારના રવાડે ચડેલો માણસ જીતવાની લાલચમાં સતત રમતો રહે છે અને અંતે બરબાદી નોતરે છે. હાર્યો જુગારી બમણું રમે એ વાત એમ જ તો નહીં કહેવાય હોયને? જુગારમાં જે ગયું હોય એ પાછું મેળવવા માટે માણસ બમણું રમે છે અને જે હોય એ પણ ગુમાવે છે. ઓનલાઇન ગેમ્બલિંગ એ આજના હાઇટેક સમયનું સૌથી વરવું પ્રકરણ છે. હવે દરેકના હાથમાં મોબાઇલ છે. મોબાઇલના સૌથી મોટા બે દૂષણ છે. એક તો પોર્ન અને બીજું ગેમ્બલિંગ. જુગારની એપ્લિકેશનમાં સતત વધારો થઇ રહ્યો છે. મોટા લોકોની વાત તો જવા દો, હવે તો નાના બાળકોને પણ ઓનલાઇન જુગારની લત પડવા લાગી છે. સરકારે ઓનલાઇન ગેમ્બલિંગ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરીને દેશના કરોડો લોકોને પતનથી બચાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ઘણા સમયથી એવી માંગ થતી હતી કે, જેમ બને તેમ વહેલી તકે ઓનલાઇન ગેમ્બલિંગ બંધ કરાવો. આખરે સંસદમાં બિલ રજૂ કરીને સરકારે જુગાર બંધ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જુગારમાં બરબાદીના જે સત્તાવાર આંકડાઓ છે એ એવું કહે છે કે, દેશમાં 45 કરોડ લોકો દર વર્ષે 20 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ઓનલાઇન જુગારમાં ગુમાવે છે. સવાલ માત્ર રૂપિયા ગુમાવવાનો નથી, પ્રશ્ન આખા પરિવારની બરબાદીનો છે.
આપણે એવા અનેક કિસ્સાઓ જોયા અને સાંભળ્યા છે, જેમાં ઓનલાઇન જુગારમાં હારી ગયેલા વ્યક્તિએ ન કરવાના ધંધા કર્યા હોય. એક બે કિસ્સા મમળાવવા જેવા છે. એક યુવાનની આ વાત છે. તે ઓનલાઇન જુગારમાં મોટી રકમ હારી ગયો હતો. એ પછી જુગાર રમવા માટે તેણે પોતાના જ ઘરમાં ચોરીઓ કરવાની શરૂઆત કરી હતી. ઘરમાં જેટલું ચોરાય એટલું ચોરીને જુગાર રમ્યો. તેણે પછી બહાર ચોરી કરવાનું શરૂ કર્યું હતું. અંતે એ પકડાયો અને જેલની હવા ખાવાનો વારો આવ્યો. બીજો એક કિસ્સો એવો છે કે, ઓનલાઇન જુગારમાં મોટી રકમ હારી ગયા પછી એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી. દરેક કિસ્સામાં જેલ કે આત્મહત્યા ભલે ન થાય પણ જુગારના કારણે અનેક પરિવારો બરબાદ થયાના અસંખ્ય કિસ્સાઓ છે. ઘરની તમામ બચત જુગારમાં વાપરી નાખવાના કારણે છોકરાઓની સ્કૂલની ફી ભરવાના રૂપિયા પણ બચતા નથી. જુગારની લતના કારણે ડિવોર્સ થયા હોવાની ઘટનાઓ પણ બની છે.
ઓનલાઇન જુગાર રમાડનાર એપ્લિકેશન નિર્દોષ લોકોને પોતાની ટ્રેપમાં લેવા માટે તમામ પ્રયાસો કરે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એટલે રમવા માટે અમુક રકમ બોનસ તરીકે અપાય છે. ડ્રગ્સ વેચવાવાળા જેમ યંગસ્ટર્સને પહેલા મફતમાં ડ્રગ્સ ચખાડીને તેની લત લગાવે છે અને પછી પોતાના સકંજામાં લે છે એવું જ ઓનલાઇન ગેમ્બલિંગમાં થાય છે. હવેનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. એપ્લિકેશનમાં જ એવી ગોઠવણ હોય છે કે, રમનારો થોડુંક જીતે અને પછી હારવાનું શરુ થાય. લાલચ બૂરી બલા છે. કેટલાંક લોકો એવું નક્કી કરે છે કે, આટલાનું જ રમવું છે પણ પછી રહી શકતા નથી અને ખુવાર થાય છે. લોકોને લલચાવવા માટે જુગારી એપ્લિકેશન સેલિબ્રિટિઝને રોકીને જાહેરાતો કરાવે છે. આવા સો કોલ્ડ સેલિબ્રિટિઓ સામે પણ ઉહાપોહ થતો રહે છે કે, આખરે તમે શું કરવા ધારો છો? ક્રિકેટના નામે ઓનલાઇન ટીમ બનાવી રમાડાતા જુગારની જાહેરાતો કેટલાંક ક્રિકેટરો પણ કરી રહ્યા છે. હવે આવું બધું બંધ થવાનું છે.
ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ સામે એઆઇજીએફ એટલે કે ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન અને એફઆઇએફએસ એટલે કે ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટસે એવી દલીલ કરી છે કે, ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધથી અનેક કંપનીઓ બંધ થશે અને બે લાખ લોકોની નોકરીઓ જશે. આ દલીલ સામે એવું કહેવામાં આવે છે કે, જે લોકો અને પરિવારો બરબાદ થાય છે એની ગણતરી કરી છે? તમે કોઇના ભોગે કોઇને નોકરીઓ આપો એ કેટલું વાજબી છે? નોકરીઓ જવી હોય તો જાય પણ એના કારણે કંઇ બરબાદીને આમંત્રણ ન અપાય.
ઓનલાઇન જુગાર પર માત્ર ભારતમાં જ પ્રતિબંધ લદાયો હોય એવું નથી, દુનિયાના અંદાજે પંચાવન દેશોમાં જુગાર પર પ્રતિબંધ છે. માત્ર ઓનલાઇન જ નહીં, કેસિનોથી માંડીને તમામ પ્રકારના જુગાર અનેક દેશો રમવા દેતા નથી. આપણે ત્યાં સાતમ આઠમમાં મજા ખાતર જુગાર રમનારા લોકો પર પણ પોલીસ દરાડો પાડે છે, તો પછી આટલા મોટા પાયે ઓનલાઇન જુગાર ચાલતો હોય એ કેમ ચાલે? હજુ દેશમાં ક્રિકેટથી માંડીને દરેક પર રમાતા સટ્ટા સામે પણ સખત થવાની જરૂર છે. સટ્ટો ભલે ગેરકાયદે હોય પણ હજુયે મોટા પાયે રમાય છે. દેશમાં દરેકે દરેક પ્રકારના જુગાર સામે પ્રતિબંધ આવે અને પ્રતિબંધનો સખત અમલ થાય એ દેશના અને દેશવાસીઓના હિતમાં છે.
દેશની લોકશાહી સક્ષમ રહે એ માટે ગુનાહિત મનોવૃતિના લોકો રાજકારણમાં ન હોય એ જરૂરી છે. લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કરેલું સંવિધાન સંશોધન બિલ 2025 દેશની લોકશાહી અખંડ અને ડાઘરહિત રહે એ માટે ખૂબ જ જરૂરી હતું. હવે ભ્રષ્ટાચાર કે બીજા ગંભીર ગુનાઓમાં 30 દિવસની જેલ ભોગવનારા રાજકારણીઓને સત્તાસ્થાનેથી હટાવી શકાશે. એ વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, તેને સત્તાપદેથી દૂર કરાશે. આ બિલ તામિલનાડુની ડીએમકે સરકારના મંત્રી વી. સેંથીલ બાલાજીની ધરપકડથી સર્જાયેલા વિવાદ બાદ તૈયાર કરવામાં આવ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં વી. સેંથીલ બાલાજીની ધરપકડ બાદ રાજ્યપાલ એન. રવિએ તેમને મંત્રીપદેથી હટાવી દીધા હતા.
લોકસભામાં રજૂ થયેલા આ બિલનો વિપક્ષોએ વિરોધ કર્યો. હકીકતે તો તેમણે આ બિલનું સ્વાગત કરવું જોઇએ. આપણા દેશને આઝાદી મળી ત્યારથી ગુનાહિત તત્ત્વો રાજકારણમાં ન આવે એ મુદ્દે ચર્ચાઓ થતી રહી છે. ચૂંટણી પંચે કેટલાંક સુધારાઓ કરીને ક્રિમિનલો પોલિટિશિયન બની ન જાય એવા નિયમો પણ બનાવ્યા છે. અલબત્ત, હજુ ઘણા સુધારાની આવશ્યકતા છે. આ બિલ ભવિષ્યમાં ચૂંટાયેલા નેતાઓને પણ ભ્રષ્ટાચાર અને ગુનાઓ કરતા રોકશે. મંત્રી કે મુખ્યમંત્રી બની જાય પછી કેટલાંક નેતાઓ એવું માનવા લાગતા હોય છે કે, અમારું કોણ શું બગાડી લેવાનું છે? હવે જો તેઓ કંઇ કરશે તો એનું પણ બગડી જતા વાર નહીં લાગે!



