સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેના પ્રશ્નકાળમાં સરકાર દ્વારા અનેક પ્રશ્નોના જવાબ આપવામાં આવી રહ્યા છે. જેનાથી અવનવી વાતો સામે આવી રહી છે. તાજેતરમાં ટ્રેનમાં મળતા ખરાબ ભોજન અંગે રેલ પ્રધાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
રાજ્યસભામાં માકપાના સાંસદ જોન બ્રિટાસે ટ્રેનમાં મળતા ભોજન અંગેની ફરિયાદ વિશે રેલ પ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેનમાં મળતા ખરાબ ખોરાકની ફરિયાદમાં વધારો થયો છે. 2020-21માં માત્ર 253, 2023-24માં 7026 તથા 2024-25માં ખરાબ ખોરાકની 6645 ફરિયાદ મળી છે. આ ફરિયાદોને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી છે.”
રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આગળ જણાવ્યું કે, “ખોરાકની ગુણવત્તા સુધારવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રસોડામાં સીસીટીવી કેમેરા, ખાદ્ય સુરક્ષા નિરીક્ષકો તથા ઑનબોર્ડ સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અચાનક નિરિક્ષણ અને ભોજનનું નિયમિત પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.” રેલવે વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 3137 કેસોમાં દંડ વસૂલવામાં આવ્યો છે. 9627 વાર વિક્રેતાઓને ચેતવણી આપવામાં આવી છે. 4467 ફરિયાદોમાં દુકાનદારોને સમજાવવામાં આવ્યા છે અને તેમને વ્યવસ્થિત રીતે કામ કરવાની સૂચના આપવામાં આવી છે. 2021માં માત્ર એક ફરિયાદમાં લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 2195 ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.
