રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. તેવામાં રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જ્યારે આવતીકાલે શનિવારે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. જેમાં તારીખ 19-20 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન રહેશે. જ્યારે 21 એપ્રિલના રોજ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આ પછી 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.
જ્યારે આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાની આગાહી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ આજે શુક્રવારે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા ઍરપોર્ટમાં 44.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભુજમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, અમદાવાદામાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
