રાજસ્થાનનાં જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ માર્ગ અકસ્માતમાં વરરાજા અને નવવધૂનું પણ મોત નીપજ્યું છે. જયપુર નજીક જમવારાગઢ પાસે નેશનલ હાઇવે નંબર 148 પર જાનૈયા ભરેલી ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી. વરરાજા અને નવવધૂ પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે મધ્ય પ્રદેશથી લગ્ન સમારોહ બાદ પરત ફરી રહ્યા હતા. 
આ ટક્કર એટલી ભયાનક હતી કે જાનૈયા ભરેલી ગાડીનો કચ્ચરખાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકોએ બૂમાબૂમ મચાવી હતી. ગાડીમાં 15 જેટલા જાનૈયા સવાર હતા, અકસ્માતના પગલે ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકોના મૃતદેહ અને ઇજાગ્રસ્તનો હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઇ હતી અને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં રાયસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કારમાં 14-15 લોકો સવાર હતા. અકસ્માતમાં વરરાજા-નવવધૂ સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.



