ભારત એ ખેતીપ્રધાન દેશ છે એ હકીકત સર્વવિદિત છે પરંતુ આજે ખેતી કરનારા ખેડૂતોને જે પ્રશ્ન મુખ્યત્વે નડે છે તે છે ઉત્કૃષ્ઠ ઉત્પાદનનો. આજે મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓનાં આડેધડ વપરાશ છતાં ખેતીમાં ધાર્યું ઉત્પાદન મળતું નથી. વળી, જમીનનો કસ પણ બગડે છે અને રાસાયણિક ઉત્પાદોના ઉપયોગથી માનવજાતમાં અનેક અસાધ્ય બીમારીઓ વધવા માંડી છે.
આને નિવારવાનો એકમાત્ર ઉપાય છે પ્રકૃતિ અને પ્રાકૃતિક ખેતપેદાશો તરફ વળવાનો. આજે જ્યારે ભારતના વડાપ્રધાનશ્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્યપાલશ્રીના સતત પ્રયત્નો રહે છે કે ભારતના ખેડૂતો મોંઘા તેમજ વિદેશથી આયાત થતાં રાસાયણિક ખાતારો તેમજ રાસાયણીક દવાઓનો વપરાશ નિમ્ન કરી પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થાય જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહે, પ્રાકૃતિક ખેતપેદાશોના ભાવો વધુ મળી રહે અને વળી જમીન તેમજ મનુષ્ય સહિત તમામ સજીવ પ્રજાતિઓનું સ્વાસ્થ્ય સુધરે અને એમાં સમગ્ર તંત્ર સતત પ્રયાસરત છે. આ પ્રયાસોને સફળ બનાવવા નવસારી જિલ્લા વહીવટી તંત્રે પણ કમર કસી છે, અને નવસારી શહેરના તથા સમગ્ર નવસારી જિલ્લાના ગામોને સ્વસ્થ તથા ઝેરમુક્ત ખોરાક મુક્ત રીતે મળી રહે એ માટે નવસારી જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ આયોજનો હાથ ધર્યા છે.
જેમાં પ્રથમ પગલારૂપે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વરેલા ખેડૂતોને પોતાની ખેતપેદાશોના વેચાણ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવું મુખ્ય હતું. ગત વર્ષે વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ વેચાણ બજાર શરૂ કરી આ દિશામાં મક્કમ શરૂઆત કરવામાં આવી હતી. હવે આ પ્રયાસોમાં એક ડગલું આગળ વધતાં ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું વેચાણ એક કરતાં વધુ જગ્યાએ કરવા માટે સરળતા રહે એ માટે નવસારી જિલ્લા સ્વભંડોળ યોજના હેઠળના ફ્લેગશીપ પ્રોજેક્ટ “રસાયણમુક્ત નવસારી” અંતર્ગત ખેડૂતોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ હસ્તે જિલ્લાના ૨૯ ખેડૂતોને મોબાઈલ ફોલ્ડેબલ કેનોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા પંચાયત વહીવટી તંત્ર તેમજ ખેતીવાડી શાખા, નવસારીનાં સંયુક્ત પ્રયાસરૂપી આ મોબાઈલ કેનોપી વજનમાં તેમજ વપરાશમાં ખુબ જ સહેલી હોવાથી ખેડૂતો આને ક્યાંય પણ આસાનીથી લઇ જઈ શકાશે તેમજ પોતાના તાલુકા સિવાય અન્ય તાલુકા કે જિલ્લામાં પણ પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકશે.
આમ, આ ફોલ્ડેબલ મોબાઈલ કેનોપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કમાણીનાં નવા સ્ત્રોત પુરા પાડશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા બદલ તમામ ખેડૂતોનો આભાર માન્યો હતો તથા ઉત્સાહવર્ધક પ્રવચન આપ્યું હતું. તેમણે મુખ્યત્વે ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે આ ફોલ્ડેબલ કેનોપીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તેમજ ગ્રાહકોને પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ ટાળી જિલ્લા પંચાયત દ્વારા વિતરણ કરવામાં આવેલ કાપડની થેલીઓનો ઉપયોગ કરે. આ ઉપરાંત તેમના દ્વારા નવસારીમાં નવનિર્મિત એ.પી.એમ.સી.માં મામુલી ભાડામાં પ્રાકૃતિક ખેતપેદાશોનાં વેચાણ માટે જગ્યા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ સિવાય તેમના દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો અને ગ્રાહકો માટે હાથવગી રહે એવી સફળ પ્રાકૃતિક ખેડૂતોની માર્ગદર્શિકા બનાવવા સુચન કરવામાં આવ્યું હતું. અંતે જિલ્લા ખેતી અધિકારીશ્રી ડો. એ.આર. ગજેરા દ્વારા ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી એવી નૈસર્ગિક નવસારી એપ નજીકના ભવિષ્યમાં તૈયાર થઇ રહી હોવાનો ખ્યાલ આપવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતો પોતાની રીતે પોતાના ખેતપેદાશોના વેચાણભાવ તેમજ અન્ય જરૂરી માહિતી પણ જાણી શકાશે એમ જણાવવામાં આવ્યું હતું.
