ભારતીય રિઝર્વ બેંક આગામી સમયમાં બેંકિંગ ક્ષેત્રે કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે, જેથી વિદેશી રોકાણકારોને ભારતીય બેંકોમાં વધુ હિસ્સો લેવાની તક મળી શકે. ભારતમાં બેંકિંગ ક્ષેત્રે વિદેશી જાયન્ટો, બેંકિંગ-નાણા સંસ્થાઓ ઝંપલાવવા અને એક્વિઝિશન માટેની હલચલ વધતાં ભારતીય બેંકિંગ નિયામક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) બેંકોની માલિકી સંબંધિત નિયમોને હળવા કરવા પર વિચારણા કરી રહી છે. દેશના ઝડપી વિકસતા અર્થતંત્ર અને ફાઈનાન્શિયલ-બેંકિંગ ક્ષેત્રે તાજેતરના મહિનાઓમાં વિદેશી સાહસિકો એક્વિઝિશન કરવાની તૈયારીમાં છે. દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને લાંબા ગાળા માટે વધુ મૂડીની જરૂર છે. ગયા મહિને, રિઝર્વ બેંકે જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશનને યસ બેંકમાં ૨૦ ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી.
આ ઉપરાંત, બે વિદેશી સંસ્થાઓ પણ આઈડીબીઆઈ બેંકમાં હિસ્સો લેવાનો પ્રયાસ કરી રહી છે.
ભારતમાં આ નિયમો અન્ય ઘણા દેશોની તુલનાએ સખ્ત છે. આરબીઆઈના ગવર્નરે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ વ્યાપક સમીક્ષાના ભાગરૂપ આરબીઆઈ બેંકો માટે શેરહોલ્ડિંગ અને લાઈસન્સિંગ નિયમોની ચકાસણી કરી રહી છે. આ નિયમો હળવા કરવા સંબંધિત હલચલમાં આરબીઆઈ નિયમન હેઠળની નાણા સંસ્થાઓને બેંકોમાં મોટું હોલ્ડિંગ મેળવી શકે એ માટે કિસ્સાવાર મંજૂરી અને વિદેશી એક્વિઝિશનો માટે નિયમોમાં કેટલીક રાહત પર વિચારણા કરી શકે છે. સમીક્ષકોનું માનવું છે કે, ભારતમાં ડિલ્સ માટે વિદેશી બેંકો ઉત્સુક છે. ખાસ પ્રાદેશિક વેપાર કરારોને ધ્યાનમાં લેતાં વિદેશી બેંકો પોતાનું ભારતમાં બેંકિંગ ક્ષેત્રે અસ્તિત્વ વિસ્તારવા ઈચ્છુક છે. અત્યારે વૈશ્વિક મોટી બેંકો સિટી બેંક થી લઈ એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટડ ભારતમાં બેંકિંગ ક્ષેત્રે અસ્તિત્વ ધરાવે છે. આ બેંકો ખાસ રિટેલ કરતાં નફાકારક કોર્પોરેટ અને ટ્રાન્ઝેકશન બેંકિંગ સેગ્મેન્ટ્સમાં અને ટ્રેડિંગ ક્ષેત્રે ફોક્સ ધરાવે છે. રેટિંગ એજન્સી ફિચ અનુસાર, રિઝર્વ બેંક ઇચ્છે છે કે મજબૂત પ્રદર્શન અને સારી વ્યવસ્થાપન ક્ષમતા ધરાવતી વિદેશી બેંકો તેમની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ દ્વારા ભારતમાં ૨૬ ટકાથી વધુ હિસ્સો લે. જોકે, મતદાન અધિકારો પર ૨૬ ટકાની મર્યાદા કાયદામાં લખેલી છે, તેથી નાણા મંત્રાલયે તેને બદલવા માટે જરૂરી પગલાં ભરવા પડશે.
