અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ભારતે હજી સત્તાવાર સ્વીકૃતિ આપી નથી. તેમ છતાં, તાલિબાન સરકારે તા.૨૨મી એપ્રિલે, જમ્મુ અને કાશ્મીરનાં સહેલામી મથક પહેલગાવમાં પાકિસ્તાન સાથે જોડાયેલા ત્રાસવાદીઓએ ૨૬ નિર્દોષ સહેલાણીઓની કરેલી નૃશંસ હત્યાને સખત અને કઠોર શબ્દોમાં વખોડી કાઢી છે. આથી ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ જયશંકરે તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમીરખાન મુત્તાકીને ફોન કરી તેઓનો અને તેમની સરકારનો તથા સમગ્ર અફઘાન પ્રજાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બ્રિટિશ રાજ્ય હતું.
તે સમયથી અફઘાનિસ્તાનમાં અંગ્રેજી ભાષા પ્રચલિત છે. તેથી બંને વિદેશ મંત્રીઓ વચ્ચે સરળતાથી વાતચીત થઈ શકી હતી. મહત્વની વાત તે છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થપાયા પછી પહેલી જ વાર બંને દેશો વચ્ચે મંત્રી સ્તરે સીધી વાતચીત થઈ હતી. આમીર ખાન મુત્તાકીએ પહેલગાવમાં માર્યા ગયેલા નિર્દોષ સહેલાણીઓ અંગે ભારત પ્રત્યે અફઘાનિસ્તાનની દિલસોજી દર્શાવી હતી. એસ. જયશંકરે તે માટે તેઓનો આભાર માન્યો હતો.
આ તબક્કે અફઘાનિસ્તાનમાં દુષ્કાળને લીધે અનાજની અસામાન્ય તંગી ઊભી થઈ ત્યારે ભારતે ૫૦૦૦ મેટ્રિક ટન ઘઉં મોકલ્યા હતા. પછી તેટલા જ પ્રમાણમાં ચોખા પણ મોકલ્યા હતા. તે પણ કોઈ શુલ્ક સિવાય (સહાય તરીકે) તેથી તાલિબાન સરકાર ઘણી જ આભારવશ બની હતી. બીજી તરફ પાકિસ્તાન સાથે તેને સરહદી વિવાદ ચાલે છે. પૂર્વેનાં અખંડ ભારત ઉપર બ્રિટિશ શાસન હતું ત્યારે ૧૯મી સદીના અંતમાં બ્રિટિશ-ઇંડીયા અને અફઘાનિસ્તાનની સરહદો જુદી પાડતી રેખા બ્રિટિશ ઇજનેર કુરાંડે દોરી હતી. જે ભારતના ભાગલા થયા પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદી રેખા બની રહી. પરંતુ તાલિબાનો તે સ્વીકારવા તૈયાર નથી. તેથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ભારે વૈમનસ્ય ઉભું થયું છે.
