વલસાડના પારડી સાંઢપોર ગામના એક એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય પરિણીત વ્યક્તિ ગત તારીખ ૨૮/૦૨/૨૫ નારોજ પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી નીકળતા, તેની પત્નીએ સિટી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ગુમ થયેલા પરિણીત વ્યક્તિને ઉત્તરપ્રદેશના મથુરા વિસ્તારમાંથી શોધી કાઢી, પરિજનો સાથે પુન:મિલન કરાવ્યું હતું. 
બીજા બનાવમાં ગત તારીખ ૨૪/૦૩/૨૫ નારોજ વલસાડના કોસંબા વિસ્તારમાં રહેતી અને ડિપ્રેશનનો શિકાર બનેલી ૨૫ વર્ષીય યુવતી પરિજનોની જાણ બહાર ક્યાંક ચાલી ગઈ હતી. પોલીસે આ યુવતીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાંથી શોધી કાઢી યુવતીનું પરિજનો સાથે મિલન કરાવ્યું હતું.
ત્રીજા બનાવમાં સિટી પોલીસે ગત તારીખ ૨૭/૦૩/૨૫ નારોજ શહેરના નાની ખત્રીવાડ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતા પરિજનોને કહ્યા વિના કયાંક ચાલી નીકળી હતી. સિટી પોલીસે આ પરિણીતાને મુંબઈ વિસ્તારમાંથી શોધી કાઢી તેનો પરિજનો સાથે મેળાપ કરાવ્યો હતો. ચોથા બનાવમાં વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા તેના પરિજનોની જાણ બહાર ગત તારીખ ૨૮/૦૩/૨૫ નારોજ મોડી ક્યાંક ચાલી નીકળી હતી. જેને પણ પોલીસે સુરતથી શોધી કાઢી હતી. પોલીસે તરુણીનું પરિજનો સાથે પુન: મિલન કરાવતા ભારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.



