અમેરિકાના ટેક્સાસથી ભારે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પાંચ વાહનો વચ્ચે પરસ્પર ભયંકર ટક્કર થતાં ચાર ભારતીય મૂળના લોકો જીવતા ભડથૂં થઈ ગયાની માહિતી છે. મૃતકોમાં એક મહિલા પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, એક પૂરપાટ ઝડપે દોડતી એસયુવી કારે બીજી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી જેના લીધે અકસ્માત સર્જાયો અને વાહનો આગની લપેટમાં આવી ગયા. જેના પગલે કારમાં હાજર તમામ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. પીડિતોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી.
જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં આર્યન રઘુનાથ ઓરમપથિ, ફારૂક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવનનો સમાવેશ થાય છે. આ બધા કારપૂલિંગ એપ દ્વારા જોડાયેલા હતા. તેઓ અરકન્સાસના બેન્ટનવિલે તરફ જઈ રહ્યા હોવાનું ખૂલ્યું છે. આ બધા લોકો પોત-પોતાના કોઈ કામથી એકસાથે નીકળ્યા હતા. આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં એક સંબંધીને મળી પરત ફરી રહ્યા હતા, જ્યારે લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો.
ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી. આ ભયંકર અકસ્માતમાં મૃત્યુ પામેલા ઓરમપથિના માતા-પિતા તો બે મહિના અગાઉ જ દીકરાના દીક્ષાંત સમારોહમાં જોડાવા માટે અમેરિકા પહોંચ્યા હતા. ઓરમપથિ ભારતમાં હૈદરાબાદનો રહેવાસી હતો અને ત્યાંથી જ તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હતો પછી તે આગળના અભ્યાસ માટે અમેરિકા જતા રહ્યો હતો. તેના પિતા હૈદરાબાદમાં મેક્સ એગ્રી જેનેટિક્સ પ્રા.લિ.ના માલિક છે. ઓરમપથિ હજુ થોડા દિવસ અમેરિકામાં રોકાવા માંગતો હતો.



