સુરત શહેરમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ યુવાનોને સરકારી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને મોટી રકમ ખંખેરી લીધી હતી.
કતારગામ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નિર્મળ ધાનાણી અને તેની પત્ની કિંજલબેન ધાનાણીએ ભોગ બનનાર લોકોને ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) કંપનીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવી ટાર્ગેટ કર્યા હતા. આ દંપતીએ નોકરીની લાલચ આપીને ભોગ બનનાર પાસેથી રૂ. 17,80,000 થી વધુ રકમ પડાવી લીધી હતી. પૈસા પડાવ્યા બાદ ન તો નોકરી આપી હતી કે ન તો તેમના નાણાં પરત કર્યા હતા. એટલું જ નહીં, ઠગાઈનો વિશ્વાસ બેસાડવા માટે તેમણે ખોટા ઓફર લેટર પણ બનાવીને ભોગ બનનારને મોકલ્યા હતા.આ છેતરપિંડીની ફરિયાદ નોંધાયાના લગભગ એક મહિના બાદ કતારગામ પોલીસે આ ઠગ દંપતી, નિર્મળ ધાનાણી અને કિંજલબેન ધાનાણીની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આ આરોપીઓએ માત્ર એક જ વ્યક્તિને નહીં, પરંતુ અન્ય લોકો પાસેથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી પૈસા પડાવ્યા હશે. પોલીસે દંપતીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી છેતરપિંડીના અન્ય કેસોનો પણ ભેદ ઉકેલી શકાય.




