મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા સહિત જિલ્લાભરમાં આજ રોજ વિઘ્નહર્તા દુંદાળા દેવને ભાવભીની વિદાય આપવામાં આવશે. સમગ્ર જિલ્લામાં યુવક મંડળો તેમજ ભક્તો દ્વારા સ્થાપિત કરાયેલી શ્રી ગણેશજીની પ્રતિમાઓ સાથે વ્યારા અને સોનગઢ સહિત જિલ્લાના વિવિધ રાજમાર્ગો પર અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરિયા.. અગલે બરસ તું જલ્દી આના..ના ગગનભેદી નારા સાથે વિસર્જન યાત્રા નીકળશે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તાપી જિલ્લામાં આજે એટલે કે, મંગળવારના રોજ અનંત ચૌદશના દિવસે સવારે ઢોલ-નગારા-ત્રાંસા, બેન્ડવાજા, ડી.જે.સીસ્ટમના તાલે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ ગુંજી ઉઠશે. સમગ્ર જિલ્લામાં દુંદાળા દેવની નીકળનાર વિસર્જનયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સોમવારની સમીસાંજથી જ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. જિલ્લાના વિવિધ વિસર્જન સ્થળોએ તકેદારીના ભાગરૂપે અગ્નિશામક દળ સહિત અન્ય તરવૈયાઓની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ વિસર્જન યાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી બાજનજર રાખવામાં આવશે.
