સોનગઢ હાઈવે પરના વાંકવેલ વિસ્તારમાં આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થાય તેવા તીવ્ર દુર્ગંધવાળા ગેસના ફેલાવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, વાંકવેલ વિસ્તારમાં આવેલ એક બરફ બનાવવાની ફેક્ટરીમાંથી સંભવત એમોનિયા ગેસ લીકેજ થયો હોવાનું માનવામાં આવે છે. આ ગેસ ગતરોજ સવારે ૭:૩૦ વાગ્યાથી ૮:૩૦ વાગ્યાના અરસામાં તીવ્ર રીતે ફેલાયો હતો.
જોકે ગેસ ફેલાવાથી આ વિસ્તારની શંતેશ્વરનગર, કલ્યાણજીધામ અને રમણીય પાર્ક વિગેરે સોસાયટી અને જૂના આરટીઓ વિસ્તારની લગભગ ૨,૦૦૦ જેટલા લોકોની વસ્તી પ્રભાવિત પ્રભાવિત થઈ હતી. ગેસ ફેલાવાથી આંખમાં બળતરાની અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી હતી. તીવ્ર દુર્ગંધથી લોકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરનાં જવાનો બનાવના સ્થળે પહોંચ્યા હતા. જોકે તે દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ પડતો હોવાથી ગેસ વરસાદી પાણીમાં ડીઝોલ્વ થતા ગેસની અસર લગભગ બે કલાક પછી ઓછી થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
