Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વાપીનાં ડુંગરામાં રૂ.૪.૪૦ કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચીયા તળાવનું લોકાર્પણ કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવનાર માર્ગો અને સ્ટ્રીટ લાઈટના અંદાજીત રૂ.૨૪.૪૯ કરોડના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત અને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ડુંગરા પીરમોરા ખાતે રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે ૪.૭૨ હેકટર વિસ્તારમાં ફેલાયેલા ઘાંચીયા તળાવના વિકાસના કામનું લોકાર્પણ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વાપી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી પાલિકાના અત્યાર સુધીના ઈતિહાસમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ સુંદર કામગીરી કરી છે.

પીવાના પાણી, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના કામો સુપેરે પાર પાડ્યા છે. ચણોદ અને ડુંગરા માટે પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થવાને આરે છે. એક સીઈટીપી પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે અને બીજો સીઈટીપી પ્લાન્ટ ચાલુ થવાની તૈયારીમાં છે. આવા અનેક કામો આપણા ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓએ કર્યા છે જે બદલ અભિનંદન આપુ છું. હવે વધારે ગ્રાંટ મળતા વિકાસના કામોમાં વેગ આવશે એટલે દરેક કામો સુંદર રીતે થશે. ડુંગરાના તમામ રહીશો અભિનંદનને પાત્ર છે કારણ કે, ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવતા ડુંગરા મોટા સિટીમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ ગામના વિકાસ અને સફાઈના કામો મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ સુંદર રીતે કરી રહી હોવાનું જણાવ્યું હતું.

ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, વાપી આપણુ છે એમ સમજીને વિકાસના કામો થઈ રહ્યા છે જેથી વાપીના નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી છે. વાપી સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક નગરી તરીકે પ્રચલિત છે. પહેલા ઘણા કામો બાકી રહી જતા હતા પરંતુ હવે મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ઉન્ન્તિભર્યા વિકાસના કામો થઈ રહ્યા છે. તેમણે રજૂ કરેલા બજેટમાં ગરીબો અને ગામડાને વિશેષ પ્રાધાન્ય આપ્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગામડાઓને મજબૂત બનાવવા માટે સ્વભંડોળ હેઠળ માતબર રકમની ફાળવણી કરી છે. વાદ વિવાદ વિના આ વિસ્તાર આપણો છે એમ સમજીને કામ કરશું તો વિકાસ ચોક્કસ થશે અને વાપી વિશ્વના નકશામાં ઝળકતુ રહેશે.

સ્વાગત પ્રવચનમાં વાપી મનપાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, આ તળાવની ફરતે પહેલા ખૂબ જ ગંદકી હતી આજે વિકાસ થયેલા આ તળાવની ફરતે લોકો સવાર સાંજ વોક કરી શકશે. પરિવાજનો હરવા ફરવા આવી શકશે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ડુંગરા, છીરી, કરવડ અને સલવાવમાં વિકાસના વધુ કામો થયા છે. જે કામોનું આજે ખાતમુહૂર્ત થયુ છે તે કામોનું આગામી દોઢ માસમાં લોકાર્પણ પણ કરાશે એવો વિશ્વાસ આપુ છું. વાપી મનપા દ્વારા જનતાને સારૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની નેમ છે જેથી વિસ્તારનો વધુ વિકાસ થશે અને લોકોને વધુમાં વધુ સારી સુવિધા મળતી થશે જેથી વાપીનો ચૌમુખી વિકાસ થશે. આ લોકાર્પણ સમારોહમાં વાપી મહાનગરપાલિકાના નવા લોગોનું અનાવરણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ વાપી મહાનગરપાલિકાના નવા લોગોના વિજેતા સ્પર્ધક રૂમિત બચુભાઇ પટેલ (રહે. પારડી પોણીયા)ને રૂ. ૨૧,૦૦૦ ના ચેકનું ઇનામ વિતરણ અને સન્માન પત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં વાપી મનપાના વિવિધ વિસ્તારના કુલ ૯ માર્ગોના અંદાજે રૂ. ૨૩.૭૬ કરોડના કામો અને વિવિધ વિસ્તારના કુલ ૩ માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટના અંદાજિત રૂ. ૭૩ લાખના કામોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રી દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

વલસાડ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના સિટી ઇજનેર જતીન પટેલે વિકાસકામોની રૂપરેખા આપી હતી. જ્યારે આભારવિધિ વાપી મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકે કરી હતી. મેટર તળાવમાં આ મુજબના આકર્ષણો જોવા મળશે વાપીના ડુંગરા ખાતે આવેલું ઘાંચીયું તળાવના ફરતે દબાણો હતા અને ખૂબ પ્રમાણમાં ગંદકી થતી હતી. જેથી આ તળાવના વિકાસ માટે વાપી નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની ગ્રાન્ટ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. આ તળાવમાં વચ્ચેના ભાગે આઈલેન્ડ, ત્યાં ઉપર જવા માટે બ્રિજ, ભગવાનશ્રી કૃષ્ણનું શેષનાગ સાથેનું સ્કલ્પચર, લેન્ડ સ્કેપીંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકિંગ પાથ વે, પબ્લિક યુટીલીટી, કંપાઉન્ડ વોલ, પાર્કિંગ સુવિધા, ગઝેબો અને ગાર્ડન વાપી વાસીઓ માટે નવલુ નજરાણુ બનશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!