પંચમહાલ જિલ્લામાં ગોધરા વડોદરા હાઈવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા અને તેમની ત્રણ પુત્રીના કરુણ મોત નિપજ્યા હતા. ગોધરા શહેર નજીક તૃપ્તિ હોટલ પાસે આ બનાવ બન્યો હતો. ઘોઘંબા તાલુકાન બોર ગામનો પરિવાર સારંગપુર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો.
તે વેળાએ ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતા પિતા અને ત્રણે બાળકી સહિત ચારના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. બનાવની જાણ થતાં ગોધરા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે ફરાર ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવથી સારંગપુર ગામે લગ્ન પ્રસંગની ખુશી માતમમાં છવાઈ ગઈ હતી. ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં એક દીકરીનો બચાવ થયો હતો.
