આધુનિક જમાનામાં માણસોની ટેકનોલોજી પર નિર્ભરતા સતત વધી રહી છે, ટેકનોલોજીને કારણે અનેક કામ સરળ થઇ ગયા છે. પરંતુ, ક્યારેક ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા વરવા પરિણામો લાવી શકે છે. આવો જ એક કિસ્સો શુક્રવારે સવારે નવી મુંબઈમાં બન્યો હતો. એક કાર બેલાપુરથી ઉલ્વે જઈ રહી હતી ત્યારે ખાડામાં ખાબકી હતી, આ અકસ્માતનું કારણ હતું ગુગલ મેપ્સમાં બતાવવામાં આવેલો ખોટો રસ્તો, જેને મહિલા ચાલક ફોલો કરી રહી હતી.
અહેવાલ મુજબ મહિલાને બેલાપુરના ખાડી પુલ પરથી કાર લઇ જવાની હતી, પરંતુ ગુગલ મેપ્સે તેને પુલ નીચેથી ધ્રુવતારા જેટી તરફ જતો રસ્તો બતાવ્યો. આ બાબતથી અજાણ મહિલાએ ગુગલ મેપ્સે બતાવેલી દિશામાં કાર હંકારી, થોડીવાર પછી કાર પાણીમાં ખાબકી.આ સ્થળ નજીક મરીન સિક્યોરિટી ઓફિસર હાજર હતાં, તમણે કારને ખાડીમાં ખાબકતા જોઈએ અને તુરંત મદદે આવ્યા. તેમણે પાણીમાં તરી રહેલી મહિલાને બહાર કાઢી. ક્રેનની મદદથી કાર પણ ખાડીમાંથી બહાર કાઢવામાં આવી.આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો પરંતુ ગુગલ મેપ્સની ચોક્કસાઈ અને વિશ્વસનીયતા પર ફરી સવાલો ઉઠ્યા છે
અગાઉ ગુગલ મેપ્સે લોકોના જીવ લીધા છે! : અગાઉ પણ ગુગલ મેપ્સને કારણે અકસ્માતની ઘટના બની ચુકી છે. ગયા વર્ષે, ઉત્તર પ્રદેશની એક ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. એક કાર બરેલીથી બદાયૂં જિલ્લાના દાતાગંજ જઈ રહી હતી, ગુગલ મેપ્સે ચાલકને ફરીદપુરમાં એક તૂટેલા પુલથી પસાર થતો રસ્તો બતાવ્યો, જેના પરથી પસાર થતા કાર 50 ફૂટ નીચે નદીમાં પડી અને ત્રણ લોકોના મોત નીપજ્યા, અન્ય એક ઘટનામાં, કેરળમાં ગુગલ મેપ્સને ફોલો કરતી વખતે હૈદરાબાદના પ્રવાસીઓની ગાડી વહેતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જોકે કારમાં સવાર તમામ ચાર પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.
