Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ૭૮ ટકા મતદાન નોંધાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લામાં ૯૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. સવારે ૭ વાગ્યાથી મોડી સાંજે સુધીના મતદાનની વાત કરીએ તો ૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ ૭૪.૩૭ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ૧૫ ગ્રામ પંચાયતોની પેટા-ચૂંટણીમાં સરેરાશ ૬૨.૭૦ ટકા મતદાન થયું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર પહોંચ્યા હતા. ખેડા જિલ્લામાં યોજાયેલ ચૂંટણીમાં કુલ ૮૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૫ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જિલ્લામાં લાંબા સમયથી પડતર રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ ગઈ છે.

અન્ય પછાત વર્ગ અનામતના મુદ્દાને કારણે અટકેલી ચૂંટણીઓનું મતદાન સંપન્ન થયું છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે સૌની નજર તા. ૨૫મીના રોજ જાહેર થનારા પરિણામો પર કેન્દ્રીત થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન કરાવવા માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આવતીકાલે મતગણતરીના દિવસે પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. ખેડૂતોએ પોતાના દૈનિક કાર્યોમાંથી સમય કાઢીને લોકશાહીના પર્વમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ગ્રામીણ સ્તરે પોતાના પ્રતિનિધિને ચૂંટવા પ્રત્યેની તેમની જાગૃતિ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઠાસરા તાલુકાના મીઠાના મુવાડા જેવા કેટલાક ગામોમાં મતદાન મથક બદલાતા ખેડૂતોને દોઢથી બે કિલોમીટર દૂર આવેલા મતદાન મથકે પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો પણ લેવો પડયો હતો. છતાં, ખેડૂતોએ મતદાન કરવા માટેનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. ખેડા જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે મતદાન પ્રક્રિયા અને ચૂંટણી કામગીરી સરળ બની હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદ ન પડતા મતદારો અને ઉમેદવારો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદારોને મતદાન કરવા જવામાં વરસાદનો સામનો કરવો પડયો ન હતો, જેથી તેઓ મોટી સંખ્યામાં અને ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. પરિણામે, બપોર સુધીમાં મતદાનની ટકાવારી ઊંચી ગઈ હતી. ખેડા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન ઠાસરા તાલુકાના મીઠાના મુવાડા ગામે મતદાન મથક બદલાવવામાં આવતા મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોને દોઢથી બે કિલોમીટર દૂર આવેલી સમડીયા પ્રાથમિક શાળામાં મતદાન કરવા જવું પડયું હતું. આ અણધારી ફેરબદલીને કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારો દ્વારા મતદારોને ટ્રેક્ટરમાં બેસાડીને મતદાન મથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરવી પડી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!