રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગતરોજ 120થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 દિવસ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના Nowcast મુજબ, ગતરોજ સાંજે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 6-7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે 8 જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
