કર્ણાટકની રાજધાની અને દેશના આઇટી હબ તરીકે જાણીતા બેંગલુરુમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સોમવારે સવારે પણ વરસાદ પડતા નિચાણવાળા અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે શહેરમાં હજુ પણ ભારે વરસાદની એલર્ટ જાહેર કરી હતી. શહેરમાં વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સોમવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં બેંગલુરુ શહેરમાં ૧૦૫.૫ મીમી વરસાદ પડયો હતો. જ્યારે રવિવારે પણ ભારે વરસાદ પડયો હતો. સતત બે દિવસ સુધી વરસાદ પડવાને કારણે બેંગલુરુમાં જળબંબાકાર સર્જાયો હતો.
હવામાન વિભાગે કહ્યું છે કે ૨૨મી મેના રોજ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને દબાણનું ક્ષેત્ર વિકસિત થશે. જેને પગલે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રોમાં ભારે વરસાદ પડશે. આંધી સાથે ભારે વરસાદને પગલે જળભરાવનો ખતરો પણ રહેલો છે બેંગલુરુમાં ઠેરઠેર પાણી ભરાયેલા હોવાથી આઇટી સહિતની કંપનીઓના કર્મચારીઓ અને અન્ય સ્ટાફે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભાજપના સાંસદ પીસી મોહને કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ હાલમાં સ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવીને કર્મચારીઓ પાસે ઘરેથી જ કામ લેવાનું રાખે. વિવિધ ઇમારતોના બેઝમેન્ટમાં પણ ભારે પાણી ભરાયા છે, જેને ખાલી કરવા જતા બે લોકોને વીજળીનો કરંટ લાગ્યો હતો. જેને કારણે બન્નેના મોત થયા હતા. મૃતકમાં એકની ઉંમર ૬૩ વર્ષ જ્યારે બીજાની ૧૨ વર્ષની છે. જ્યારે આઇટી કંપનીની દિવાલ ધસી પડતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. બેંગલુરુમાં ભારે વરસાદને કારણે ઉદ્યોગોને ભારે અસર થઇ હતી. જ્યારે આમ નાગરિકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઠેરઠેર પાણી ભરાસા અનેક લોકો ફસાયા હોવાના અહેવાલો છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે રાહત અને બચાવની ટીમોને ઉતારવામાં આવી છે.
