રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં રિજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 5.50 ઈંચ સાથે 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.56 ઈંચ સાથે 33.35 ટકા, સૌરાષ્ટ્રમાં 9.51 ઈંચ સાથે 32.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હાલ 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો છે.
ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી તારીખ 1 અને 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
