દેશના અનેક ભાગોમાં ચોમાસાએ તેની પક્કડ મજબૂત બનાવી છે ત્યારે વાદળ ફાટતાં આવેલા પૂરે હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિનાશ વેર્યો છે. પૂરના પાણીમાં અનેક પુલ, રસ્તા અને મકાનો તણાઈ ગયા હતા તથા ગુરુવારે કુલ સાત લોકોનો ભોગ લેવાયો હતો. બીજીબાજુ કેરળના ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના કાંગરા અને કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટતા અને મૂશળધાર વરસાદના કારણે આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો હતો.
બુધવારે નદીમાં તણાતા બે મૃતદેહો મળ્યા હતા જ્યારે ગુરુવારે કાંગરા જિલ્લાના ઈન્દિરા પ્રિયદર્શિની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી વધુ બે મૃતદેહો મળતા કુલ સંખ્યા ચાર થઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક લાપતા લોકોને બચાવી લેવાયા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તણાઈ ગયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. મનાલી અને બંજાર જિલ્લામાં પણ ફ્લેશ ફ્લડ આવ્યું હતું. આ સિવાય સૈંજ, ગડસા અને હોર્નગાડ વિસ્તારોમાં મૂશળધાર વરસાદથી ભારે નુકસાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટતાં અચાનક આવેલા પૂરના કારણે બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સિવાય રાજૌરી, પૂંચ, ડોડા અને કથુઆ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પૂંચ તથા ડોડા, ઉધમપુર અને રામબન જિલ્લાઓમાં પણ વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે કેરળના ઈડુક્કી, માલાપ્પુરમ અને વાયનાડમાં ધોધમાર વરસાદ માટે રેડ એલર્ટ અને અન્ય સાત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. મૂશળધાર વરસાદ અને તિવ્ર પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ પડી ગયા હતા. મધ્ય પ્રદેશમાં પણ ગુરુવારે કેટલાક સ્થળો પર વરસાદ પડયો હતો.
