રાજ્યમાં સરકારે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ દંડની જોગવાઈઓમાં સુધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલા કરી છે.
આ સુધારાનો મુખ્ય હેતુ ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે રાજ્ય સરકારે દંડની જોગવાઈમાં જનતા પાસેથી સૂચનો માંગ્ય છે. આ સુધારા અંગે નાગરિકો, વેપારીઓ અને સંબંધિત સંસ્થાનો 30 દિવસની અંદર ઓનલાઈન માધ્યમથી પોતાના સૂચનો આપી શકશે. આ પગલું દર્શાવે છે કે, સરકાર કાયદાને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે હિતધારકોના મંતવ્યોને પણ ધ્યાનમાં લેવા માંગે છે.તમને જણાવી દઈએ કે, ગ્રાહકે મંગાવેલી વસ્તુ નિયમ મુજબ હોવી ફરજિયાત છે.
જો ખોરાકની ગુણવત્તા નિયમ મુજબ ન હોય તો વેચાણકર્તાને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ દંડની જોગવાઈ ગ્રાહકોને નબળી ગુણવત્તાવાળો ખોરાક પૂરો પાડવા પર અંકુશ લગાવશે. વધુ ગભીર કિસ્સાઓમાં સબ-સ્ટાન્ડર્ડ ખોરાકના વેચાણ સામે 20 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.આ જોગવાઈ ખાસ કરીને ભેળસેળયુક્ત અથવા આરોગ્ય માટે હાનિકારક ખોરાકનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે છે.
આ ઉપરાંત, મિસબ્રાન્ડેડ ખોરાકના વેચાણ સામે 3 લાખ રૂપિયા સુધીનો દંડ સૂચવવામાં આવ્યો છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં વેચતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકે. આ નિર્ણયથી ગ્રાહકોમાં વિશ્વાસ વધશે અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
