ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ 13 એપ્રિલ, 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે હવે લોકરક્ષક કેડરની આગામી 15 જૂન 2025 નારોજ લેખિત પરીક્ષા યોજાવાની છે, ત્યારે લોકરક્ષકની પરીક્ષાના કોલલેટર આજ શનિવારે બપોરના 1 વાગ્યાથી ડાઉનલોડ થવાના શરૂ થયા છે. રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે.
ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી 15 તારીખે યોજાવાની છે. આ પરીક્ષા માટે કોલલેટર OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. લોકરક્ષક કેડર સંવર્ગની ભરતીને લઈને ગુજરાતના 15 કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 12000થી વધુ જગ્યા માટે 2.47 લાખથી વધુ મહિલા-પુરુષ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા પાસ કરી હતી. લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ જોવા માટે lrdgujarat2021.in અહીં ક્લિક કરો. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા રાજ્યમાં મોટાપાયે પોલીસ ભરતીની પ્રક્રિયા શરૂ છે. ત્યારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની લેખિત પરીક્ષા યોજાયા બાદ હવે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે.
