ભ્રષ્ટાચાર-લાંચનું દૂષણ સરકારી અધિકારીઓમાં એક ચેપી રોગની જેમ વ્યાપી ગયું છે, ત્યારે લાંચના કેસમાં સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.જેમાં પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડીવીઝનના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 5000 હાજર રૂપિયાની લાંચ માંગવાના અને સ્વીકારવાના કેસમાં એક લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. 15 વર્ષ પહેલા 5 હજાર રૂપિયાની લાંચના કેસમાં હવે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વર્ષ 2010ના રોજ આરોપી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના તત્કાલિન ડિવિઝનલ એન્જિનિયર હરીશ કિશોર ગુપ્તા દ્વારા એક રેલવે કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 5,000ની લાંચ માંગી અને સ્વીકારી પણ હતી.આ લાંચ 19 લાખ રૂપિયાની રકમનો વર્ક ઓર્ડર જારી કરવા અને ઉપરોક્ત કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવેલા કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાનો સમય વધારવા માટે માંગવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૦માં થઇ હતી ધરપકડ : ફરિયાદ નોંધાયા બાદ આરોપી હરીશ કિશોર ગુપ્તાની એપ્રિલ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હરીશ કિશોર ગુપ્તાના નિવાસસ્થાન અને કાર્યાલય પર સર્ચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તપાસ બાદ વર્ષ 2011માં રોજ આરોપી હરીશ કિશોર ગુપ્તા વિરુદ્ધ જાહેર સેવક દ્વારા ગેરકાયદે રકમ માંગવા અને સ્વીકારવા તેમ જ ગુનાહિત ગેરવર્તણૂક કરવાના ગુના બદલ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ અંગે ના ટ્રાયલ પછી લેફ્ટનન્ટ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને તેને સજા ફટકારી હતી.
